
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થયા બાદ વાયરલ અને મૌસમી બીમારીના કેસમાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
તહેવારો દરમિયાન લોકોની મોટા પાયે થયેલી અવરજવર અને ભીડભાડ વાયરલ ઇન્ફેક્શનના ફેલાવા માટે મુખ્ય કારણ બની છે. આ પરિસ્થિતિના કારણે જામનગરની મુખ્ય જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ ઉમટી પડી છે અને આરોગ્ય તંત્ર પર વધારાનું ભારણ ઊભું થયું છે.
તહેવારો પૂર્વે જી.જી. હોસ્પિટલમાં દરરોજ આશરે 1400 થી 1600 દર્દીઓની ઓપીડી (OPD) નોંધાતી હતી, જે તહેવારો પૂરા થયા બાદ સીધી વધીને દૈનિક 2100 થી 2200 સુધી પહોંચી ગઈ છે. હોસ્પિટલના કેસ બારી અને વિવિધ વોર્ડ બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ શહેરમાં હાલ ચોમાસાની ઋતુના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ અતિશય વધી ગયો છે, જેનાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક રહીશો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લઈ જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવે. સમયસર સાવચેતીના પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રોગચાળાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt