રાજ્ય સરકારની ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર
- બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સનો અભિગમ - શાળા, હૉસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ - બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજીના જોખમોથી
State Government announces ‘Gujarat State Child Protection Policy-2026’


State Government announces ‘Gujarat State Child Protection Policy-2026’


State Government announces ‘Gujarat State Child Protection Policy-2026’


- બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સનો અભિગમ

- શાળા, હૉસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ

- બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજીના જોખમોથી બચાવવા મજબૂત જોગવાઇઓ

ગાંધીનગર,15 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતના બાળકોને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે, તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વધુ એક મહત્વની અને સંવેદનશીલ પહેલ કરી રાજ્યમાં ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે.

મુખ્યમંત્રીનાં માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ.મનીષા વકીલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરવામાં આવી છે.

આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં એવું સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે કે જ્યાં દરેક બાળક હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરી શકે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગત તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક જાહેરનામા મુજબ આ નીતિ રાજપત્ર (ગૅઝેટ)માં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગઈ છે.

નીતિ તૈયાર કરતા અગાઉ તેના મુસદ્દા અંગે મળેલા વાંધા-સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા છે. સાથે-સાથે POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા, રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના વિવિધ કાયદાકીય અને નીતિગત માળખાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.

નવી નીતિનો અભિગમ માત્ર કોઈ ઘટના બન્યા પછી કાર્યવાહી કરવાનો નથી, પરંતુ બાળ સુરક્ષાને નિવારણ, સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પુનર્વસન અને પુનઃસમાવેશન સાથે જોડીને એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો છે.

સરકારનું સ્પષ્ટ ધ્યેય એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે જેમાં દરેક બાળક સલામત, આદરણીય, સુરક્ષિત અને અધિકારસંપન્ન હોય. બાળકને સુરક્ષા સાથે શિક્ષણ, આરોગ્ય, સર્વાંગી વિકાસ અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર પણ મળે તે સુનિશ્ચિત કરવાની દિશામાં નીતિ ઘડવામાં આવી છે.

આ નીતિમાં ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અથવા ભૌગોલિક વિસ્તારના આધારે કોઈ ભેદભાવ વિના તમામ બાળકોને બાળ સંરક્ષણ સેવાઓનો સમાન લાભ મળે તે બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

આ નીતિની સૌથી ખાસ બાબત એ છે કે બાળ સંરક્ષણને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં આવ્યું છે. નીતિનો વ્યાપ સરકારી વિભાગો અને સરકારી એજન્સીઓ પૂરતો મર્યાદિત નથી. તેમાં સ્થાનિક સંસ્થાઓ, NGO, નાગરિક સમાજ, કૉર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બાળ સંભાળ સંસ્થાઓ તેમજ બાળકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતી વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આથી બાળ સુરક્ષાને એક સંકલિત સામાજિક જવાબદારીનું સ્વરૂપ મળશે અને બાળકો સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન ઊભું થઈ શકશે.

નીતિમાં સમાજના વધુ સંવેદનશીલ વર્ગોના બાળકોને વિશેષ રીતે આવરી લેવામાં આવ્યા છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો, દિવ્યાંગ બાળકો, સ્થળાંતરિત બાળકો, અનાથ બાળકો, અનુસૂચિત જાતિ-જનજાતિના બાળકો, વંચિત સમુદાયોના બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા બાળકો તેમજ સંસ્થાકીય અને વૈકલ્પિક સંભાળમાં રહેતા બાળકો માટે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, HIV/AIDS અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો, કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકો તથા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોને પણ નીતિના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.

નીતિમાં બાળ સંરક્ષણ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સ્પષ્ટ કરવામાં આવ્યા છે કે જેમાં બાળકનું શ્રેષ્ઠ હિત, સમાનતા અને સમભાવ, જીવન અને વિકાસનો અધિકાર, બાળકના મતનો આદર, ગૌરવ અને સન્માન, પરિવારનું સશક્તિકરણ, હિંસાથી સુરક્ષા, ગુપ્તતા, જવાબદારી તેમજ ભાગીદારી અને સંકલન જેવા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

આ સાથે બાળ દુર્વ્યવહાર અને શોષણ સામે ‘ઝીરો ટોલરન્સ’ના અભિગમને નીતિનો આધાર બનાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર હવે બાળકો જ્યાં રહે છે, ભણે છે, સારવાર મેળવે છે અથવા સેવાઓ મેળવે છે, તેવા તમામ સ્થળોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ વધશે. નીતિ હેઠળ બાળ-સુરક્ષિત શાળાઓ, બાળ-સુરક્ષિત આરોગ્યસંભાળ સુવિધાઓ, બાળ-સુરક્ષિત બાળ સંભાળ સંસ્થાઓ, બાળ-સુરક્ષિત કાર્યસ્થળો, બાળ-સુરક્ષિત ડિજિટલ વાતાવરણ અને બાળ-સુરક્ષિત જાહેર સ્થળોને પ્રોત્સાહન આપવામાં આવશે.

સરકારનો અભિગમ સ્પષ્ટ છે કે બાળકની સુરક્ષા માત્ર ઘર કે શાળા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બાળક જ્યાં પણ જાય ત્યાં સુરક્ષિત વાતાવરણ તેની સાથે રહે.

બાળકને સુરક્ષાની જરૂરિયાત ઊભી થાય, ત્યારે તેને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા મળી રહે, તે માટે નીતિમાં સંકલિત અને બાળકમૈત્રીપૂર્ણ પ્રતિભાવ વ્યવસ્થા પર ભાર મૂકાયો છે. ઝડપી ઓળખ, પરામર્શ, બાળ-સંવેદનશીલ ન્યાય, પુનઃપ્રાપ્તિ, પુનર્વસન અને પુનઃસમાવેશન સાથે માનસિક આરોગ્ય તથા મનોસામાજિક સહાય સેવાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્યવસ્થા મુશ્કેલીમાં મુકાયેલા બાળકને માત્ર તાત્કાલિક રાહત નહીં, પણ લાંબાગાળે સામાન્ય જીવન તરફ પરત ફરવામાં પણ મદદરૂપ બનશે.

.

ડિજિટલ યુગમાં બાળકો માટે ઑનલાઇન સુરક્ષા એક મહત્વપૂર્ણ પડકાર બની રહી છે. તેને ધ્યાનમાં રાખીને નીતિમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ સાથે જોડાયેલા સાયબર જોખમો સામે નિવારણ અને પ્રતિભાવની વ્યવસ્થાને મજબૂત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી બાળ સુરક્ષાનો વ્યાપ હવે ભૌતિક જગ્યા પૂરતો નહીં રહે, પરંતુ બાળકની ડિજિટલ દુનિયા સુધી વિસ્તરશે.

નીતિના અસરકારક અમલ માટે સ્પષ્ટ સંસ્થાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ વિભાગ તરીકે અમલીકરણનું સંકલન, માર્ગદર્શિકા, દેખરેખ અને વાર્ષિક સમીક્ષાને સરળ બનાવશે. દરેક સરકારી વિભાગે આ નીતિને અનુરૂપ પોતાની વાર્ષિક અમલીકરણ યોજના તૈયાર કરવાની રહેશે.

જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષની અંદર સંબંધિત વિભાગોએ કાર્યકારી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરવાના રહેશે.

બાળકો સાથે પ્રત્યક્ષ કામ કરતી સંસ્થાઓમાં જવાબદારી વધુ સ્પષ્ટ બનશે. શિક્ષકો, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સલાહકારો અને અન્ય સંબંધિત વ્યાવસાયિકોને બાળકની સુરક્ષા અને કલ્યાણ અંગે કોઈ ચિંતા જણાય, તો તેની જાણ કરી જરૂરી પગલાં લેવાના રહેશે. બાળ દુર્વ્યવહાર, જાતીય શોષણ, બાળલગ્ન, બાળમજૂરી, માનવ તસ્કરી, ઑનલાઇન દુર્વ્યવહાર, ભેદભાવ, ત્યાગ અથવા ઉપેક્ષાની શંકા જણાય, તો CHILD HELPLINE 1098/112, પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

બાળ સુરક્ષાની સાથે સમાન આરોગ્ય અધિકારને પણ નીતિમાં મહત્વ અપાયું છે. હૉસ્પિટલ, ક્લિનિક, તબીબો અને આરોગ્ય કર્મચારીઓ લિંગ, જાતિ, દિવ્યાંગતા, ધર્મ, ભાષા, આદિજાતિ, વૈવાહિક સ્થિતિ અથવા અન્ય કોઈ સ્થિતિના આધારે સારવારનો ઇનકાર કે ભેદભાવ કરી શકશે નહીં.

બાળકો સાથે સીધો સંપર્ક ધરાવતી સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને બાળ અધિકારો, POCSO કાયદો, જુવેનાઈલ જસ્ટિસ કાયદો તથા અન્ય સંબંધિત કાયદાઓ અંગે તાલીમ આપવાની રહેશે. બાળકો સાથે સંપર્કમાં આવતા નિયમિત તથા કરાર આધારિત કર્મચારીઓ, સ્વયંસેવકો અને અન્ય વ્યક્તિઓની પૃષ્ઠભૂમિની કડક તપાસ, જેમાં પોલીસ વેરિફિકેશનનો પણ સમાવેશ થાય છે, સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

નીતિનો માનવીય અભિગમ એ બાબતમાં પણ જોવા મળે છે કે 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ કર્મચારીઓના બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની સુવિધા પૂરી પાડવાની રહેશે. અન્યથા શિશુ ધરાવતી માતાઓ માટે બાળ સંભાળની યોગ્ય જગ્યા અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે. જાહેર સ્થળોએ પણ બાળકો માટે અનુકૂળ ઝોન અને માતાઓ માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

નીતિ હેઠળ સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરવામાં આવશે. બાળકો સાથે અપમાનજનક, હેરાન કરનાર, ભેદભાવપૂર્ણ અથવા જાતીય રીતે અયોગ્ય વર્તન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. બાળક દુર્વ્યવહાર અથવા શોષણના જોખમમાં હોય અને તેની જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરવી પણ ગંભીર બાબત તરીકે જોવામાં આવશે.

નીતિનું પાલન ન કરનાર સંસ્થાઓ અથવા વ્યક્તિઓ સામે સેવા નિયમો, વિભાગીય નિયમો, કરારની શરતો અને લાગુ કાયદા મુજબ વહીવટી, શિસ્તભંગના, કરાર આધારિત અથવા કાનૂની પગલાં લઈ શકાશે.

નીતિના અમલીકરણની વાર્ષિક સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે, જ્યારે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી તેની અમલવારી પર દેખરેખ રાખશે. નીતિની પ્રગતિ અને પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે દર ત્રણ વર્ષે અથવા જરૂર જણાય, તો તે પહેલાં પણ સમીક્ષા કરવાની જોગવાઈ છે.

‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ માત્ર એક સરકારી નીતિ નથી, પરંતુ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે સમગ્ર તંત્રને એક દિશામાં જોડવાનો પ્રયાસ છે. પરિવારથી લઈને શાળા, હૉસ્પિટલથી લઈને બાળ સંભાળ સંસ્થા, ઉદ્યોગોથી લઈને મીડિયા અને જાહેર સ્થળોથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ સુધી બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો વ્યાપક અભિગમ તેમાં જોવા મળે છે.

બાળકનું શ્રેષ્ઠ હિત, ગૌરવ, સમાનતા, સુરક્ષા અને વિકાસ કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતે બાળ અધિકારોના રક્ષણ માટે વધુ મજબૂત માળખું ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બાળપણ સુરક્ષિત હશે તો જ આવતી પેઢી વધુ સક્ષમ, આત્મવિશ્વાસપૂર્ણ અને વિકાસશીલ બનશે. આ દૃષ્ટિએ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026 રાજ્યના બાળકો માટે સુરક્ષિત બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande