
ગીર સોમનાથ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ઉના તાલુકાના પસવાળા ગામમાં આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે. આ ગણેશોત્સવનું આયોજન ગામના નાના બાળકો દ્વારા કરવામાં આવે છે.
પસવાળા ગામની ખાસ વાત એ છે કે અહીં છેલ્લા ૭ થી ૮ વર્ષથી ગણેશજીની સ્થાપના મોટા પાયે થાય છે. આ આખું આયોજન ગામના નાના બાળકો જ સંભાળે છે. આ વર્ષે પણ ગામમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ગણપતિ બાપાનું આગમન થયું છે. આમાં બાપા સીતારામ ગોપી મંડળ, ગણપતિ ગ્રુપ અને જય દાડમા દાદા યુવા ગ્રુપનો સમાવેશ થાય છે.
આ ગણેશોત્સવ દરમિયાન ૧૦ દિવસ સુધી રોજ રાત્રે બાપા સીતારામ ગોપી મંડળ દ્વારા ભજન-કીર્તન કરવામાં આવે છે. બાળકો દ્વારા થતા આ ભજન-કીર્તનમાં ગ્રામજનો ભક્તિભાવથી જોડાય છે.
આ ત્રણેય મંડળોના બાળકો જ ગણેશ મહોત્સવનું સંચાલન આરતી પ્રસાદ અને ડેકોરેશન કરે છે. બાળકોની આ ભક્તિ અને એકતા જોઈને ગ્રામજનો પણ ખુશ છે અને તેમના કાર્યને બિરદાવી રહ્યા છે. દરરોજ ઘણા ગ્રામજનો દર્શન અને રાત્રિ કીર્તનનો લાભ લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ