
ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સટી, વેરાવળ ખાતે આજ વાક્યાર્થપરિષદ્ અને વાગ્વર્ધિની પરિષદ્ નાં ઉદ્ઘાટનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનસત્રમાં મંચોપર વિશ્વવિદ્યાલયનાં પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા, અનુસ્નાતક વિભાગનાં નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝા, સંશોધન વિભાગનાં પ્રભારી શોધ નિદેશક શ્રી ડૉ. ડી.એમ. મોકરિયા, વાગ્વર્ધિની પરિષદ્ નાં અધ્યક્ષા અને વાક્યાર્થપરિષદ્ નાં સભ્યસચિવ ડૉ. રામકુમારી બિરાજમાન હતાં જ્યારે સભામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોનાં દીપપ્રાગટ્યથી અને વૈદિક મંત્રોચ્ચારણથી કરવામાં આવ્યો હતો. ડૉ. રામકુમારી દ્વારા મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત અને કાર્યક્રમની પ્રસ્તાવનાં રજૂ કરવામાં આવી. પછી અધ્યાપકો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ પછી પ્રો. વિનોદ કુમાર ઝા દ્વારા પોતાનુ શોધપત્ર “अतो येय । इति सूत्रस्य सोदाहरणं विश्लेषणम्” પ્રસ્તુત કર્યું. ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા આ કાર્યક્રમનાં અધ્યક્ષ અને સ્વ-શોધપત્ર વક્તા પણ હતાં. તેમનો વિષય 'ईश्वरोपकारनिरूपणस्तुतिविमर्श:' હતો. આ પછી તેમણે અધ્યક્ષીય ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને બહુશ્રુત બનવાની પ્રેરણા આપી. વાક્યાર્થ પરિષદ્ નાં અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા તથા સભ્યસચિવ ડૉ. રામકુમારી અને સભ્ય આસિ. પ્રો. વિજયકુમાર બથવાર અને શોધછાત્ર મોહિત પાઠક છે. જ્યારે વાગ્વર્ધિની પરિષદ્ નાં અધ્યક્ષ ડૉ. રામકુમારી, સભ્યસચિવ ડૉ. રાહુલ કુમાર ઝા અને સભ્ય ડૉ. આશા માઢક છે.
કાર્યક્રમમાં ધન્યવાદ જ્ઞાપન આસિ. પ્રો. વિજયકુમાર પ્ર. બથવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શોધછાત્ર મોહિત પાઠકે કર્યું હતું. કાર્યક્રમનાં અંતે શાંતિ મંત્ર બોલીને કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ