સારોલી સાલાસર માર્કેટમાં ભીષણ આગ: પાંચમા માળની અનેક દુકાનોમાં કાપડનો જથ્થો ખાક
સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સાલાસર માર્કેટના પાંચમા માળે આજે સવારે આશરે 11:30 વાગ્યે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચમા માળની ચારથી પાંચ દુકાનો તેની ઝપેટમાં
Massive Fire at Saroli's Salasar Market


સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સાલાસર માર્કેટના પાંચમા માળે આજે સવારે આશરે 11:30 વાગ્યે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચમા માળની ચારથી પાંચ દુકાનો તેની ઝપેટમાં આવી હતી. દુકાનોમાં ફેબ્રિકેટ, પોલિએસ્ટર અને ગ્રે કાપડનો મોટો સ્ટોક હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ સુધી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

માહિતી મળતાં સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ કુલ 22 જેટલા વાહનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુકાનોના શટર બંધ હોવા ઉપરાંત પેસેજમાં માલસામાન ભરેલો હોવાથી અંદર પહોંચવામાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. ભારે જથ્થાના કારણે આગ કાબૂમાં લીધા બાદ પણ કૂલિંગની કામગીરી કરવી પડી હતી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાવર સપ્લાય બંધ થઈ જતાં માર્કેટની ફાયર સેફ્ટી સિસ્ટમને લઈને પણ સવાલો ઉઠ્યા છે.

આગનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી, જોકે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળી પૂર્વે દુકાનોમાં મોટો સ્ટોક રાખવામાં આવ્યો હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ નુકસાનનો પ્રાથમિક અંદાજ રૂ. 2થી 3 કરોડ સુધી પહોંચી શકે છે, જ્યારે આગની અસર આસપાસની અન્ય દુકાનો સુધી પણ થઈ હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી કૂલિંગની કામગીરી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande