
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) નિર્માતા અને લેખક લવ રંજનની નવી ફિલ્મ 'પહેલા પ્યાર દૂસરી બાર'નું પહેલુ પોસ્ટર રજૂ કરી દેવામાં આવ્યું છે. મિત્રતા અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મ દ્વારા છ નવા કલાકારો હિન્દી સિનેમામાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અલીશા ચોપરા, સ્પર્શ વાલિયા, સાક્ષી વૈદ્ય, કુણાલ વૈદ્ય, સરગુન કૌર લૂથરા અને તુષાર છિબ્બર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અનુજ સૈનીએ કર્યું છે.
ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં બધા છ નવા કલાકારો એકસાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં તેમની મસ્તી, મિત્રતા અને યુવા અંદાજની ઝલક જોવા મળે છે. રંગીન અને આધુનિક અંદાજમાં તૈયાર કરાયેલો પોસ્ટર ફિલ્મના હળવા-ફૂલકા માહોલ તરફ ઇશારો કરે છે. લવ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ સંબંધો અને યુવા જીવન સાથે જોડાયેલા પાસાઓને મનોરંજક અંદાજમાં રજૂ કરશે.
લવ રંજન માટે નવા કલાકારોને હિન્દી સિનેમામાં રજૂ કરવું નવું નથી. 'પ્યાર કા પંચનામા' દ્વારા તેમણે પહેલા પણ નવા ચહેરાઓને દર્શકો સમક્ષ લાવવાનું કામ કર્યું હતું. ફિલ્મને લઈને તેમણે કહ્યું કે, નવા કલાકારો સાથે એક નવી દુનિયા તૈયાર કરવી તેમના માટે પડકારની સાથે-સાથે ઉત્સાહનો અનુભવ પણ છે. તેમના મતે, છ નવા ચહેરાઓ માટે વાર્તાની એક અલગ દુનિયા તૈયાર કરવી અને તેમને પોતાના પાત્રો સાથે સહજ થતા જોવા એક ખાસ અનુભવ રહ્યો. 'પહેલા પ્યાર દૂસરી બાર'ને લવ ફિલ્મ્સ પ્રસ્તુત કરી રહ્યું છે. ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગે કર્યું છે. અનુજ સૈનીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 23 ઓક્ટોબર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ