
હોબાર્ટ, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). ઓસ્ટ્રેલિયાના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મેથ્યુ વેડે, બિગ બેશ લીગ (બીબીએલ) ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન કોચિંગ કારકિર્દી પર કેન્દ્રિત કરશે. વેડ હાલમાં ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમનાં મર્યાદિત ઓવરોના બેટિંગ કોચની ભૂમિકા પણ ભજવી રહ્યા છે.
વેડ ગયા વર્ષે પણ ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ સાથે સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન હોબાર્ટ હરિકેન્સ માટે બિગ બેશ લીગમાં રમતા રહ્યા. જોકે, તેમણે 2026-27 સિઝન પહેલાં સંપૂર્ણપણે ખેલાડી તરીકે ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે.
વેડે 2024 ટી-20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે બિગ બેશ લીગમાંથી વિદાય સાથે તેમણે આ સ્પર્ધાના ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવનારા મુખ્ય ખેલાડીઓમાંથી એક તરીકે કારકિર્દી સમાપ્ત કરી છે.
વેડે બિગ બેશ લીગની ઉદ્ઘાટન સિઝન 2011-12માં મેલબોર્ન સ્ટાર્સ સાથે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, જ્યાં તેઓ મહાન સ્પિનર શેન વોર્ન સાથે રમ્યા હતા. તેમણે સ્ટાર્સ માટે 16 અને મેલબોર્ન રેનેગેડ્સ માટે 13 મેચ રમી હતી. આ પછી તેઓ પોતાના ગૃહ રાજ્ય તાસ્માનિયા પાછા ફર્યા અને હોબાર્ટ હરિકેન્સ માટે 90 મેચોમાં મેદાન પર ઉતર્યા.
બિગ બેશ લીગમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં વેડ નવમા સ્થાને છે, જ્યારે વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરનારા ખેલાડીઓમાં તેઓ પાંચમા સ્થાને છે. હરિકેન્સ માટે બેન મેકડેરમોટ અને ડી’આર્સી શોર્ટે તેમના કરતાં વધુ રન બનાવ્યા છે, પરંતુ ટીમ માટે વેડની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ અણનમ 130 રનથી મોટી ઇનિંગ્સ અન્ય કોઈ બેટ્સમેને રમી નથી.
વેડ હરિકેન્સની પ્રથમ બિગ બેશ લીગ ખિતાબી જીતમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા હતા. ટીમે 2024-25 સિઝનમાં પ્રથમ વખત સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો.
હરિકેન્સના કોચ જેફ વોને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું, “વેડી એવા ક્રિકેટરોમાંથી એક છે, જેને તમે હંમેશા તમારી ટીમમાં ઇચ્છતા હતા. તેઓ જ્યારે પણ મેદાન પર ઉતરતા હતા, પૂરી તાકાતથી મુકાબલો કરતા હતા અને ખૂબ જ ઝડપથી મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવતા હતા.”
તેમણે કહ્યું, “પરંતુ એટલું જ મહત્વનું એ છે કે તેમણે પોતાની આસપાસના ખેલાડીઓને પણ ઘણું બધું આપ્યું. તેમનું ક્રિકેટિંગ મગજ શાનદાર છે અને તેઓ હંમેશા પોતાનું જ્ઞાન વહેંચવા તથા પોતાના સાથી ખેલાડીઓને વધુ સારા બનવા માટે પડકારવા તૈયાર રહેતા હતા.”
વોને કહ્યું, “અમારી સિસ્ટમમાં એવા ઘણા ખેલાડીઓ છે, જેમને મેટ સાથે રમવાથી ફાયદો થયો છે અને મને લાગે છે કે આ અહીં તેમની વિરાસતનો મહત્વપૂર્ણ ભાગ હશે.”
હરિકેન્સના હાઈ પરફોર્મન્સ મેનેજર સેલિયન બીમ્સે પણ વેડના યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “મેથ્યુ લાંબા સમયથી હરિકેન્સ અને તાસ્માનિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા છે. તેમનો રેકોર્ડ પોતે ઘણું બધું કહે છે, પરંતુ આંકડાઓમાં હંમેશા તે અસર દેખાતી નથી જે તેમણે પોતાની આસપાસના ખેલાડીઓ અને લોકો પર પાડી છે.”
તેમણે કહ્યું, “તેઓ એક શાનદાર સ્પર્ધક, લીડર અને ઉચ્ચ ધોરણો સ્થાપિત કરનારા ખેલાડી રહ્યા છે. રમતનાં સર્વોચ્ચ સ્તર પર તેમનો અનુભવ અમારા ખેલાડીઓ માટે અત્યંત મૂલ્યવાન રહ્યો છે.”
બીમ્સે કહ્યું, “મેટે હરિકેન્સને ઘણું બરું આપ્યું છે અને ક્લબ માટે તેમના યોગદાન બદલ અમે અત્યંત આભારી છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ