સરદાર પટેલને કારણે જ એક સશક્ત અને એકીકૃત 'એક ભારત'નો પાયો નંખાયો: ઉપરાષ્ટ્રપતિ
-હૈદરાબાદ મુક્તિ દિવસ પર બોલ્યા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન હૈદરાબાદ, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી દેશી રજવાડાઓના ભારત સંઘમાં વિલીનીકરણમાં દેશના પ્રથમ ઉપપ્રધાનમંત્રી
'હૈદરાબાદ મુક્તિ દિવસ' સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહેમાનો


-હૈદરાબાદ મુક્તિ દિવસ પર બોલ્યા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન

હૈદરાબાદ, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી દેશી રજવાડાઓના ભારત સંઘમાં વિલીનીકરણમાં દેશના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે અસાધારણ જવાબદારી નિભાવી અને એક સશક્ત તથા એકીકૃત 'એક ભારત'નો પાયો નાખ્યો. સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વને કારણે જ 'એક ભારત' હંમેશા માટે 'એક ભારત' રહેશે.

આ વાત ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને, આજે અહીં સિકંદરાબાદ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 'હૈદરાબાદ મુક્તિ દિવસ' સમારોહને સંબોધિત કરતા કહી. આu કાર્યક્રમ 17 સપ્ટેમ્બર 1948ના રોજ તત્કાલીન હૈદરાબાદ રિયાસતના ભારતીય સંઘમાં ઔપચારિક વિલીનીકરણની યાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, હૈદરાબાદનું વિલીનીકરણ તે સમયના સૌથી મુશ્કેલ અને જટિલ પડકારોમાંથી એક હતું. જ્યારે રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ ગઈ, ત્યારે ભારત સરકારે 13 સપ્ટેમ્બર 1948ના રોજ 'ઓપરેશન પોલો' શરૂ કર્યું, જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ નિઝામની સેનાના આત્મસમર્પણ સાથે સમાપ્ત થયું.

તેમણે હૈદરાબાદ મુક્તિને સ્વતંત્ર ભારતના ઇતિહાસનો એક નિર્ણાયક અધ્યાય ગણાવ્યો અને આ સંઘર્ષમાં સાહસ અને બલિદાન આપનારા તમામ દેશભક્તોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સરદાર પટેલ જાણતા હતા કે જે સમયે નવ-સ્વતંત્ર રાષ્ટ્રનો પાયો નાખવામાં આવી રહ્યો હોય, તે સમયે ભારત કોઈપણ પ્રકારના રાજકીય વિખવાદને સહન કરી શકે નહીં.

સમારોહની શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિએ વૉર મેમોરિયલ પર પુષ્પચક્ર અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેમણે પરેડનું નિરીક્ષણ કરીને માર્ચ પાસ્ટની સલામી લીધી અને સૂચના અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા લગાવવામાં આવેલી વિશેષ પ્રદર્શનનું અવલોકન કર્યું.

આ પ્રસંગે એક હજાર તેલંગાણાના કલાકારોએ પોતાની પરંપરાગત કલાનું પ્રદર્શન કરીને સમારોહને જીવંત અને રંગીન બનાવી દીધો.

કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમાર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ એન રામચંદ્ર રાવ પણ ઉપસ્થિત રહ્યા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ એન રામચંદ્ર રાવે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેલંગાણાની જનતાને અભિનંદન આપતા એક કડક સંદેશ આપ્યો – તેલંગાણાની જનતા હૈદરાબાદને ભારતીય સંઘથી અલગ રાખવા અને તેને પાકિસ્તાન તરફ વાળવાના નિઝામ અને રઝાકારોના પ્રયાસો તથા તેમના આતંકના સમયગાળાને ક્યારેય ભૂલશે નહીં. તેલંગાણાના લોકો એ સારી રીતે જોઈ રહ્યા છે કે, કઈ રીતે ચાલાક અને છદ્મ-ધર્મનિરપેક્ષ પક્ષો આપણા સ્વતંત્રતા સેનાનીઓ, અમર નાયકો અને તેમના મહાન બલિદાનોનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તે દિવસ ચોક્કસ આવશે જ્યારે જનતા તેમને જડબાતોડ પાઠ ભણાવશે.

હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande