
ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં પોષણ માહ અંતર્ગત કિશોરીઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી “જંક ફૂડ ટાળો, પૌષ્ટિક ખોરાક અપનાવો” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત કિશોરીઓ સાથે પોષણ ક્વિઝ અને “ત્રિરંગી થાળી” જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓને સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
પોષણ ક્વિઝ દરમિયાન કિશોરીઓને વિવિધ પોષક તત્ત્વો, વિટામિન, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ તથા અન્ય જરૂરી પોષક તત્ત્વો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોષણ સંબંધિત પોતાની જાણકારી રજૂ કરી હતી. આ પ્રવૃત્તિના માધ્યમથી દૈનિક આહારમાં વિવિધ પ્રકારના પોષક તત્ત્વોનો સમાવેશ કરવો કેમ જરૂરી છે તે અંગે સમજ આપવામાં આવી હતી.
“ત્રિરંગી થાળી” પ્રવૃત્તિ દ્વારા વિવિધ રંગના શાકભાજી, ફળો અને અન્ય પૌષ્ટિક ખાદ્યપદાર્થોને દૈનિક ભોજનમાં સામેલ કરવાની સમજ આપવામાં આવી હતી. રંગબેરંગી ખાદ્યપદાર્થોમાં રહેલા વિવિધ પોષક તત્ત્વો શરીરના વિકાસ અને તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ છે તે અંગે માર્ગદર્શન અપાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA