
- વન વિભાગ, ફિશરિઝ કોલેજ, WTIના સ્ટાફ સાથે માછીમાર સમાજ અને યાત્રિકો જોડાયા.
ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) વિશ્વભરમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે ‘કોસ્ટલ ક્લિનઅપ ડે’ એટલે કે 'સમુદ્રતટ સફાઈ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે સમગ્ર રાષ્ટ્રમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈના પ્રાધાન્યને ધ્યાનમાં રાખીને સફાઈ કરવામાં આવી રહી છે, તેના ઉપલક્ષમાં તથા સુભગ સમન્વયરૂપે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના સમુદ્ર બીચ પર વન વિભાગ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા સોમનાથ બીચની પસંદગી કરવામાં આવતા વન વિભાગ સહિત વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા બીચની સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન બીચ પરથી પ્લાસ્ટિકની ખાલી બોટલો, પ્લાસ્ટિકની જાળી, નાળિયેરના કાછલા તેમજ અન્ય વિવિધ પ્રકારનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરને કારણે મંદિર સામે આવેલા બીચ પર દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રિકો આવે છે. જેના કારણે અહીંથી સ્વચ્છતા અને દરિયાઈ પ્રદૂષણ અંગેનો જનજાગૃતિનો સંદેશ વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે. દરિયા કિનારે પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થાય, દરિયાઈ અને વન્યજીવોનું સંરક્ષણ થાય તથા આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત રહે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
આ અભિયાનમાં સોમનાથ મંદિરના દર્શનાર્થે આવેલા યાત્રિકોએ પણ સ્વયંભૂ સહભાગી બની બીચની સફાઈમાં જોડાયા હતા. બીચ પર ફરવા આવતા લોકો પ્લાસ્ટિક કે અન્ય કોઈપણ પ્રકારનો કચરો દરિયા કિનારે ન નાખે અને કચરાનો યોગ્ય રીતે ડસ્ટબિનમાં નિકાલ કરે. દરિયામાં જતો પ્લાસ્ટિકનો કચરો દરિયાઈ જીવો માટે જીવલેણ બની શકે છે, તેથી સમુદ્ર અને તેની જીવસૃષ્ટિનું રક્ષણ કરવું દરેક નાગરિકની ફરજ છે, તેઓ સંદેશો આ સફાઈ દ્વારા ફેલાવવામાં આવ્યો હતો.
સોમનાથ બીચ પર યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન થકી ‘સ્વચ્છ કિનારો, સ્વચ્છ સમુદ્ર અને સુરક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિ’નો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રાધામ સોમનાથની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં મદદનીશ વન સંરક્ષક સુનિલ પ્રજાપતિ, ફાયર સેફ્ટી ઓફિસર વિશાલકુમાર પટેલ, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વેરાવળ ફિશરિઝ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (WTI)નો સ્ટાફ તેમજ સ્થાનિક માછીમાર સમાજના લોકો જોડાયા હતા.
--------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ