જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના અસરકારક અમલ માટે સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
જુનાગઢ 2 સપ્ટેમ્બર (હિ.સ.) ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ કરવું, કરાવવું, તેની માહિતી આપવી અથવા તે અંગે કોઈપણ પ્રકારની જાહેરાત કરવી તે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ હેઠળ દંડનીય ગુનો છે. જિલ્લામાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણ જેવી પ્રવૃત્તિઓને અટક
જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના અસરકારક અમલ માટે સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ


જુનાગઢ 2 સપ્ટેમ્બર (હિ.સ.) ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ કરવું, કરાવવું, તેની માહિતી આપવી અથવા તે અંગે કોઈપણ પ્રકારની જાહેરાત કરવી તે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ હેઠળ દંડનીય ગુનો છે. જિલ્લામાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા તથા કાયદાની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લા પંચાયત ભવન, જૂનાગઢ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમ્યાન જિલ્લામાં આવેલી વિવિધ હોસ્પિટલો, ક્લિનિકો તથા આરોગ્ય સંસ્થાઓની નવી નોંધણી માટેની ચાર અરજીઓ તેમજ રીન્યુઅલ માટેની પાંચ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સોનોગ્રાફી મશીનની ખરીદી-વેચાણ, હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ તેમજ હોસ્પિટલોમાં તબીબોના ફેરફાર બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં સમિતિ દ્વારા અગાઉ કરવામાં આવેલા ક્લિનિક ઈન્સ્પેક્શન અંગે રીવ્યુ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કાર્યરત સોનોગ્રાફી સેન્ટરો અને ક્લિનિકોની નિયમિત તેમજ આકસ્મિક તપાસ હાથ ધરવા, જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની ચકાસણી કરવા તથા નિયમોના ભંગના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વિ દ્વારા હાજર સભ્યો અને અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત સમીક્ષા બેઠકમાં સમિતિના અધ્યક્ષ રૂપલબેન લખલાણી અને સમિતિના સભ્યો રેખાબેન પરમાર, ડો. રાહુલગીરી અપારનાથી તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande