
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર( હિ. સં.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ રવિવારે એશિયન ગેમ્સ 2026માં ભારતને પ્રથમ મેડલ અપાવનારી મહિલા રમતવીરોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. તેમણે 10 મીટર એર રાઇફલ મહિલા ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, ઇલાવેનિલ વલારિવન, વિદર્ભ કે. વિનોદ અને સોનમ ઉત્તમ મસ્કરને એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ ખૂબ અભિનંદન. તમારી અદભૂત સિદ્ધિએ આ રમતોમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું છે અને દેશનું નામ રોશન કર્યું છે. તમારી સતત સફળતા માટે મારી શુભેચ્છાઓ.
ઓમ બિરલાએ કહ્યું કે, આ સિદ્ધિ ત્યારે વધુ વિશેષ બની જાય છે જ્યારે ઇલાવેનિલ વલારિવાને મહિલાઓની 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં વધુ એક રજત ચંદ્રક જીત્યો છે. આ મોટા મંચ પર તેના સતત પ્રદર્શન, સ્વસ્થતા અને વિશ્વ કક્ષાની ચોકસાઈનો પુરાવો છે.
મહિલા ભારતીય ટીમની આ સફળતાએ દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે અને ભારતની રમતગમતની યાત્રામાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે ભારતે એશિયન ગેમ્સમાં રજત પદક જીતીને પોતાનું પદક ખાતું ખોલ્યું છે. ઇલાવેનિલ વલારિવન, સોનમ ઉત્તમ મસ્કર અને વિદર્ભ કે. વિનોદને શૂટિંગ 10 મીટર રાઇફલ વિમેન્સ (ટીમ) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન.
ઉલ્લેખનીય છે કે ઇલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્ભ કે. વિનોદની ભારતીય ત્રિપુટીએ રવિવારે 2026 એશિયન ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે 10 મીટર એર રાઇફલ મહિલા ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/શ્રધ્ધા દ્વિવેદી/ સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ