
- ઐતિહાસિક વિરાસત, રેલવેની વિકાસ યાત્રા તથા સ્થાનિક સંસ્કૃતિને કરવામાં આવી પ્રદર્શિત.
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર 18 સપ્ટેમ્બર 2026ના રોજ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે “સ્ટેશન મહોત્સવ – Birthday Celebration of Historic/Heritage Railway Station”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ વેરાવળની ઐતિહાસિક રેલ વિરાસત, સ્થાનિક સંસ્કૃતિ તથા રેલવેની વિકાસ યાત્રાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર મંડળ દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા, વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર એસ. કે. મિશ્રા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્થાનિક પ્રશાસન, મુસાફરો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વેરાવળનો રેલવે ઇતિહાસ 19મી સદીના અંતિમ વર્ષો સાથે જોડાયેલો છે. 1 સપ્ટેમ્બર 1888ના રોજ જેતલસર–જૂનાગઢ તથા 1 ફેબ્રુઆરી 1889ના રોજ જૂનાગઢ–વેરાવળ ડૉક્સ રેલખંડ શરૂ થતાં આ વિસ્તારનું રેલ જોડાણ વધુ મજબૂત બન્યું હતું. પ્રારંભિક સમયમાં મીટર ગેજ સાથે જોડાયેલું વેરાવળ આજે બ્રોડ ગેજ તથા વિદ્યુતીકૃત રેલ નેટવર્ક દ્વારા સોમનાથ તથા સૌરાષ્ટ્રના મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળોને રેલ જોડાણ પૂરું પાડે છે.
આ મહોત્સવમાં ઐતિહાસિક ફોટો પ્રદર્શન, Vintage Exhibits, Heritage Equipment તથા જૂની રેલવે સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી. વિશેષ આકર્ષણ તરીકે સુશોભિત મીટર ગેજ કોચ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રેલવેની ઐતિહાસિક વિરાસતને લગતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત Flag March, Helium Balloon Raising તથા “Virasat Smarika”નું વિમોચન કરવામાં આવ્યું હતું.
બાળકો તથા યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓ તેમજ Drawing Competitionનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ મીટર ગેજ સેક્શન સાથે સંકળાયેલા વિશિષ્ટ વ્યક્તિઓ તથા રેલવે કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે DRM દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ વેરાવળની ઐતિહાસિક રેલ વિરાસત તથા સ્થાનિક સંસ્કૃતિના સંરક્ષણ તેમજ નવી પેઢીને રેલવેના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
કાર્યક્રમના સફળ આયોજનમાં ભાવનગર મંડળના વિવિધ વિભાગો, અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્થાનિક હિતધારકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ