SMCના કર્મચારી બની ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ઝડપાઈ
સુરત, 21 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલમાં લગાવવામાં આવેલી મોંઘી બેટરીઓની ચોરી કરતી ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. SMCના કર્મચારી હોવાનો દાવો કરીને ટ્રાફિક સિગ્નલની બેટરીઓ ચોરતા બે આરોપીની ગોડાદરા વિસ્તાર
155 બેટરીની ચોરીનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા


સુરત, 21 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલમાં લગાવવામાં આવેલી મોંઘી બેટરીઓની ચોરી કરતી ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. SMCના કર્મચારી હોવાનો દાવો કરીને ટ્રાફિક સિગ્નલની બેટરીઓ ચોરતા બે આરોપીની ગોડાદરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરિશંકર પાંડે તરીકે થઈ છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા.

બપોરના સમયે સિગ્નલ બંધ રહેવાનો ઉઠાવ્યો લાભ

પાવર કટ દરમિયાન પણ ટ્રાફિક સિગ્નલ કાર્યરત રહે તે માટે સિગ્નલમાં યુપીએસ અને બેટરી બેકઅપની વ્યવસ્થા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ બંધ રહેવાની ફરિયાદો મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આરોપીઓ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન સિગ્નલ બંધ રહેતા સમયનો લાભ લેતા હતા. તેઓ SMCના કર્મચારી જેવા ડ્રેસમાં સિગ્નલ પર પહોંચતા અને સ્થાનિકો કે વાહનચાલકો પૂછપરછ કરે તો પોતાને મેન્ટેનન્સ સ્ટાફ તરીકે ઓળખાવતા હતા. બેટરી રિપેરિંગ માટે લઈ જવાની વાત કહી તેઓ બેટરી કાઢી જતા હતા.

55 જંકશન પરથી 155 બેટરી ગાયબ

ફરિયાદો વધતાં સિગ્નલનું મેન્ટેનન્સ કરતી એજન્સીને જાણ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા તપાસ કરતાં શહેરના 55 જંકશન પરથી કુલ 155 બેટરીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે શહેરના વિવિધ 15 પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

એક્ટિવા પર નીકળી બેટરી ચોરી કરતો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ ધોરણ 12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જીઆઈડીસીની કાપડની ફેક્ટરીમાં માસ્ટર તરીકે કામ કરતો હતો, જ્યારે લાલમણી પાંડે ગોડાદરામાં ‘લક્ષ્ય બેટરી ઇન્વર્ટર’ નામની દુકાન ભાડે રાખીને વેપાર કરતો હતો.

ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં બંનેએ ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. આરોપીઓ જુલાઈ 2026થી આ રીતે ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રાજેશકુમાર બપોરના સમયે એક્ટિવા લઈને નીકળતો અને ટ્રાફિક સિગ્નલના થાંભલા પાસેની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવીથી ખોલીને બેટરી કાઢી લેતો હતો. ત્યારબાદ ચોરાયેલી બેટરી તે લાલમણીને માત્ર રૂ.1,000માં વેચતો હતો. લાલમણી આ બેટરીઓ ભંગારમાં વેચીને નફો કમાતો હતો.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande