
ભાવનગર 22 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલ દ્વારા ગણેશ ચતુર્થી તેમજ આગામી નવરાત્રી, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરો તથા શ્રદ્ધાળુઓની સરળ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુખ્ય સ્ટેશનો પર વધારાની ભીડના સુવ્યવસ્થિત સંચાલન તથા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્ય સ્ટેશનો, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ તેમજ પ્રવેશ-નિકાસ દ્વારો પર RPF અને GRPના વધારાના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. સાથે જ CCTV મારફતે 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.
મહિલાઓ અને પરિવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા કોચમાં વિશેષ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ સ્ટેશન પરિસરમાં મહિલા સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. મુસાફરોને PA System તથા ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ દ્વારા ટ્રેનોના આવાગમન અંગેની માહિતી નિયમિતપણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી સહાય માટે મુખ્ય સ્ટેશનો પર RPF સહાયતા બૂથ સક્રિય કરવામાં આવ્યા છે તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, અનધિકૃત ટિકિટ દલાલી પર નિયંત્રણ લાવવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો તથા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ રેલ મુસાફરી દરમિયાન નિયમોનું પાલન કરે, રેલવે પાટા પર અનધિકૃત રીતે ન જાય અને રેલવે દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને સુરક્ષિત તથા સુખદ મુસાફરી કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ