
આઇચી-નાગોયા, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.). વર્તમાન ચેમ્પિયન ભારતીય પુરુષ કબડ્ડી ટીમે એશિયન ગેમ્સ 2026 માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા મંગળવારે ગ્રુપ એ ની બીજી મેચમાં દક્ષિણ કોરિયાને 63-31 થી હરાવીને સતત બીજી જીત નોંધાવી.
ભારતે પહેલા હાફમાં જ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું અને મધ્યાંતર સુધીમાં 34-14 ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી.
ભારતે શરૂઆતના હાફમાં દક્ષિણ કોરિયા પર બે ઓલઆઉટ કર્યા. જેમાંથી બીજો ઓલઆઉટ મધ્યાંતરથી બરાબર પહેલા આવ્યો, જેનાથી ભારતીય ટીમની સ્થિતિ વધુ મજબૂત બની.
બીજા હાફમાં પણ ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો અને 32 પોઈન્ટના અંતરથી મેચ પોતાના નામે કરી. આ જીત સાથે ભારતે ગ્રુપ એ માં બે મેચમાંથી બે જીત મેળવી લીધી છે.
ભારતે સોમવારે પોતાના અભિયાનની શરૂઆત જાપાન સામે 49-24 ની જીત સાથે કરી હતી. જાપાને બીજા હાફમાં વધુ સારું પ્રદર્શન કરતા 20 થી વધુ પોઈન્ટ મેળવ્યા હતા, પરંતુ ભારતીય ટીમે આખી મેચમાં નિયંત્રણ જાળવી રાખ્યું અને આસાન જીત નોંધાવી.
ભારતની આગામી મેચ ગ્રુપ એ માં બાંગ્લાદેશ સામે ટોકેઈ સિટીઝન જિમ્નેઝિયમમાં થશે.
શૂટિંગમાં ઇલાવેનિલ અને પાર્થ ગોલ્ડ મેડલ મેચમાં
શૂટિંગમાં ભારતના ઇલાવેનિલ વલારિવન અને પાર્થ માનેએ 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ સ્પર્ધાના ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું. ચીને 638.9 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેણે અગાઉના 636.9 પોઈન્ટના રેકોર્ડમાં સુધારો કર્યો.
ભારતીય જોડીએ ક્વોલિફિકેશનની શરૂઆત મજબૂત રીતે કરી અને 20 શોટ પછી 211.9 પોઈન્ટ મેળવ્યા. આ પછી પણ ઇલાવેનિલ અને પાર્થે પોતાની સ્થિતિ જાળવી રાખી અને 634.9 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન પૂરું કર્યું. ભારતીય જોડીનો આ સ્કોર વર્તમાન એશિયન રેકોર્ડ કરતાં પણ સારો રહ્યો.
ચીને 638.9 પોઈન્ટના રેકોર્ડ સ્કોર સાથે ક્વોલિફિકેશન સમાપ્ત કર્યું.
ચીન તરફથી પુરુષોની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશનમાં સોમવારે ભાગ લેનાર શેંગ લિહાઓએ પણ યોગદાન આપ્યું અને ચીને પોતાના શોટ્સ ઝડપથી પૂરા કરી લીધા.
ચીન અને ભારતે ક્વોલિફિકેશન પૂરું કર્યું તે સમયે દક્ષિણ કોરિયા અને ઈરાન પોતાની સિરીઝ પૂરી કરી રહ્યા હતા. અંતિમ તાલિકા બધી ટીમોના રાઉન્ડ પૂરા થયા પછી નક્કી કરવામાં આવી.
આ વર્ષે ફાઇનલનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે. હવે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ માટે અલગ-અલગ મેચો નહીં હોય. ચારેય ક્વોલિફાય કરનારી ટીમો એકસાથે ફાઇનલમાં ઉતરશે અને વ્યક્તિગત સ્પર્ધાઓની જેમ સમયાંતરે ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા થશે.
સોફ્ટ ટેનિસમાં જય મીનાએ પુરુષ સિંગલ્સ ગ્રુપ ડી માં પાકિસ્તાનના હુસૈન અરૈનને 4-0 થી હરાવ્યા. જ્યારે મહિલા સિંગલ્સ ગ્રુપ ડી માં આધ્યા તિવારીને થાઈલેન્ડની એલિશા ઝિગલર સામે 1-4 થી હારનો સામનો કરવો પડ્યો.
વુશુમાં લેંગલેન્ટોમ્બી દેવી હંજાબમે મહિલા નાનક્વાન ફાઇનલમાં નવમું સ્થાન મેળવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ