
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિં.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ સોમવારે શહીદ ભગત સિંહની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી.
ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, શહીદ ભગત સિંહને તેમની જયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ. આ નીડર ક્રાંતિકારીએ અતૂટ સાહસ અને દ્રઢ સંકલ્પ સાથે ભારતની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમની અદમ્ય ભાવના અને દેશભક્તિ પેઢીઓને પ્રેરિત કરતી રહે છે. હું તેમના અમર વારસાને નમન કરું છું અને ભારતના આ અમર સપૂતને સાદર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભગત સિંહે પોતાના અદમ્ય સાહસ અને વીરતાથી સ્વતંત્રતા આંદોલનમાં નવી ઊર્જાનો સંચાર કર્યો. દેશના સન્માન માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની તેમની ભાવના ભારતના યુવાનોના સાહસ અને સંકલ્પનું પ્રતીક છે.
અમિત શાહે કહ્યું કે, ભગત સિંહે પોતાના જીવનથી એ સાબિત કરી દીધું કે સમાજ અને રાષ્ટ્ર માટે સંઘર્ષ કરવાની કોઈ ઉંમર કે સીમા હોતી નથી. એક તરફ તેમણે પોતાની હિંમતથી બ્રિટિશ શાસનને નીડર થઈને પડકાર્યું, તો બીજી તરફ ભાષા અને ક્ષેત્રના આધારે વહેંચાયેલા યુવાનોને એકજૂટ કર્યા અને તેમનામાં આઝાદીની જ્યોત પ્રગટાવી. તેમના બલિદાનની ચિનગારીએ આઝાદીની લડાઈને એક પ્રચંડ આગમાં બદલી દીધી. ભગત સિંહની દેશભક્તિ અને તેમના વિચારો આવનારી પેઢીઓને રાષ્ટ્ર સેવાના માર્ગ પર પ્રેરિત કરતા રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિકારી, શહીદ ભગત સિંહે માત્ર બ્રિટિશ શાસન વિરુદ્ધ લડાઈ લડી નહીં, પરંતુ પોતાની કલમ અને વિચારોના માધ્યમથી સામાજિક અસમાનતા અને સમાજને વહેંચી નાખતી તાકાતો વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો. તેમનું સાહસ, વૈચારિક દ્રઢતા અને એક ન્યાયપૂર્ણ સમાજનું સ્વપ્ન આજે પણ લાખો યુવાનોને પ્રેરિત કરે છે.
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, ભગત સિંહનું અદમ્ય સાહસ અને દેશભક્તિ આવનારી પેઢીઓ સુધી તમામ દેશભક્તોને માતૃભૂમિની સેવા માટે પ્રેરિત કરતું રહેશે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાનું ભગત સિંહનું અદમ્ય સાહસ, દેશભક્તિ અને સર્વોચ્ચ બલિદાન આપણા દેશની અમૂલ્ય ધરોહર છે. તેમનું સમર્પણ, વીરતા અને કર્તવ્ય-બોધ સૌને હંમેશા રાષ્ટ્ર-હિત પ્રત્યે સમર્પિત રહેવા અને એકતાની ભાવનાને સુદ્રઢ કરવા માટે પ્રેરિત કરતા રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/શ્રદ્ધા દ્વિવેદી/અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ