
વડોદરા,29 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત, વડોદરાના સહયોગથી સોખડા ગામ સ્થિત પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્ર નંબર ૨ અને ૭ ખાતે 'વિકસિત ભારત - જન સેવા અભિયાન' અંતર્ગત 'આંગણ મિલન સેવા ઉત્સવ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
છેવાડાના માનવી સુધી આરોગ્ય અને પોષણની સુવિધાઓ પહોંચાડવાના સરકારના અભિગમને સાર્થક કરતા આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, સોખડા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી, શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં ૩ થી ૬ વર્ષના બાળકોના વાલીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આંગણવાડીના માધ્યમથી કુપોષણ નાબૂદી અને સ્વસ્થ બાળ નિર્માણના લક્ષ્ય સાથે કાર્યક્રમ દરમિયાન તંદુરસ્ત બાળકો તથા કિશોરીઓને મહાનુભાવોના હસ્તે વિશેષ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, માતા અને બાળકના સુદ્રઢ સ્વાસ્થ્ય માટે ટેક હોમ રેશન (THR) તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) અંતર્ગત લાભાર્થીઓને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણ ક્ષેત્રે પાયાની અને અત્યંત મહત્વની કામગીરી કરતી આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો અને આશા વર્કર બહેનોની નિષ્ઠાવાન સેવાઓને બિરદાવવા માટે, તેઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા મહિલા અને બાળ કલ્યાણ અંગે પાઠવવામાં આવેલા પ્રેરણાદાયી સંદેશાનું પઠન કરી ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો અને લાભાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ