
- 100થી વધુ ફિલ્મો અને 500 રચનાઓને સ્વર આપ્યો- 'દીકરી તો પારકી થાપણ' રચનાથી અમર થઈ ગયા
અમદાવાદ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતી ફિલ્મ સંગીતના સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર અને ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે.
24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ અસ્ત થયો છે.
ગૌરાંગ વ્યાસની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન આંબાવાડીના મોરેના એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસિંગ પાસેથી સવારે 11:30 વાગ્યે નીકળશે. તેમના અવસાનથી સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પિતાની છાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા ઊભી કરનાર ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ દ્વારા ગુજરાતની સામૂહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે.
નાનપણથી જ ઘરમાં સંગીતનો સમૃદ્ધ માહોલ મળવાને કારણે ગૌરાંગ વ્યાસે માત્ર 5 વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી મુંબઈની જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. સંગીત પ્રત્યેના તીવ્ર આકર્ષણ અને ખેંચાણને કારણે તેમણે નોકરી છોડીને પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનાને સમર્પિત કર્યું હતું.
પિતા અવિનાશ વ્યાસ સાથે 'જેસલ તોરલ' ફિલ્મમાં સહાયક તરીકે જોડાઈને તેમણે પોતાની ફિલ્મી સંગીતયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 'લાખો ફૂલાણી' ફિલ્મથી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકેની ઓળખ સ્થાપિત કરી હતી. આગળ જતાં તેમણે કેતન મહેતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ 'ભવની ભવાઈ', 'મણિયારો', 'નસીબની બલિહારી', 'પારકી થાપણ', 'લીલુડી ધરતી' અને 'મૈયરમાં મનડું નથી લાગતું' સહિત 100થી વધુ ફિલ્મોમાં અમર સંગીત આપ્યું હતું.
ગુજરાતી સિનેમામાં દેશના સર્વશ્રેષ્ઠ ગાયકોનો ઉપયોગ કરવામાં તેમનું મોટું પ્રદાન રહ્યું હતું. લતા મંગેશકરના કાળજું કોરી ખાતા સ્વરમાં તેમણે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત સ્વરબદ્ધ કર્યું હતું, જે આજે પણ વિદાય વેળાએ આંખો ભીની કરે છે. તેમણે આશા ભોંસલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, ભુપિન્દર સિંહ અને પ્રફુલ્લ દવે જેવા ગાયકો પાસે 'મણિયારો તે હળુ હળુ થઈ રે વિયો' અને 'હુ તુ તુ તુ, જામી રમતની ઋતુ' જેવાં યાદગાર ગીતો ગવડાવ્યાં હતાં.
ગુજરાતી વિશ્વકોશ મુજબ ગૌરાંગ વ્યાસે ફિલ્મો ઉપરાંત સુગમ સંગીતમાં 500થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હતું. તેમણે 'લાખ લાખ દિવડા', 'ઘોર અંધારી રે રાતલડીમાં' જેવા પ્રખ્યાત ગરબા તેમજ 'તુ રંગાઈ જાને રંગમાં' જેવાં ભજનો તૈયાર કર્યાં હતાં. તેમણે 'જલારામની ઝુંપડી', 'ભજન અનમોલ', 'ગંગા સતીનાં ભજનો', 'કહત કબીર', 'જલારામ બાપાનું હાલરડું', 'પ્રાચીન પ્રભાતિયાં' અને 'નોન સ્ટોપ ડાંડીયા-રાસ' જેવા યાદગાર આલ્બમો આપ્યા હતા.
વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને પ્રતિષ્ઠિત ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેમના મહાન પ્રદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ