

કચ્છ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર તાલુકાની રીન્યુ પાવર અને સુઝોલોન કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવતી ટોળકી ઝડપાઈ, ચોરીનો વાયર ખરીદનાર રતન દેવીપુજકને પકડવા તપાસ તેજ કરાઈ. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીઓમાંથી કેબલ વાયર ચોરીની વધતી ફરિયાદો વચ્ચે પોલીસે સઘન તપાસ હાથ ધરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ચોરીના મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ગાડી સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.5.24 લાખનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો માલ ખરીદનાર અન્ય એક શખ્સને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ અંજાર તાલુકાના કુંભારીયા, વલાડીયા, ભુવડ, ખેડોઈ, સિનુગ્રા અને મિંદીયાણા ગામની સીમમાં આવેલી રીન્યુ પાવર તથા સુઝોલોન કંપનીની વિવિધ પવનચક્કીઓમાંથી કેબલ વાયર ચોરી થયાની ફરિયાદો નોંધાઈ હતી. આ બનાવોને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ અંજાર પોલીસની ટીમે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પવનચક્કીઓમાંથી કેબલ વાયર ચોરી કરનાર શખ્સો ચોરીનો માલ એક અશોક લેલેન્ડ ગાડીમાં ભરીને વેચાણ માટે લઈ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ગાડી રોકી તેમાં સવાર ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં વલાડીયા અને કુંભારીયા ગામની સીમમાં આવેલી પવનચક્કીઓમાંથી આશરે પંદર દિવસ અગાઉ કેબલ વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે દેવરાજ અશોકભાઈ ઠકકર, રમજાન ઈબ્રાહીમ વીરા, અર્જુન શીવરામ ખાંડેકા અને રીયાઝ ઈબ્રાહીમ બુકેરાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પવનચક્કીનો બાળેલો આશરે 40 કિલો કોપર કેબલ વાયર, જેની કિંમત રૂ.24 હજાર છે, તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જી.જે.12-બીઝેડ-3726 નંબરની અશોક લેલેન્ડ ગાડી કિંમત રૂ.5 લાખ મળી કુલ રૂ.5.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ચોરીના માલનો એક હિસ્સો બે દિવસ અગાઉ ગાંધીધામના રતન દેવીપુજકને આપ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. તેને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જી. વાળા, જે.એસ. ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફે હાથ ધરી હતી. વધુ તપાસ હાલ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar