
કચ્છ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકાના ધરાણા ગામની સીમમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ખેતર વિસ્તારમાં આવેલા 220 કેવી હાઈટેન્શન વીજ પ્રસારણના અંદાજે 200 ફૂટ ઊંચા ટાવર પર એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ ફાયર ટીમને ઇમરજન્સી કોલ મળ્યો હતો. ધરાણા ગામની સીમમાં ખેતરની અંદર આવેલા વીજ ટાવર પર એક વ્યક્તિ લટકતી હાલતમાં હોવાની જાણ થતાં ફાયર ટીમના જવાનો સાધનો સાથે સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ યુવકનો મૃતદેહ જમીનથી લગભગ 200 ફૂટની ઊંચાઈએ હોવાનું જણાયું હતું.
આટલી ઊંચાઈ પર ચઢીને મૃતદેહને સુરક્ષિત રીતે નીચે લાવવાનું કામ અત્યંત જોખમી હતું. ટાવર પર ચઢવાની સાથે ઊંચાઈ અને પવનના વધતા વેગને કારણે રેસ્ક્યુ કામગીરી વધુ પડકારજનક બની હતી. જોકે ભચાઉ ફાયર ટીમના જવાનોએ પરિસ્થિતિની પરવા કર્યા વિના સાહસપૂર્વક કામગીરી શરૂ કરી હતી. સતત ત્રણ કલાકની ભારે જહેમત બાદ જવાનો ટાવર પર પહોંચ્યા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે મૃતદેહને સફળતાપૂર્વક નીચે ઉતાર્યો હતો.
ત્યારબાદ મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ સંજયકુમાર તરીકે થઈ છે અને તે મૂળ ઝારખંડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવકે કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સમગ્ર રેસ્ક્યુ દરમિયાન ટીમ લીડર પ્રવીણ દાફડા ઉપરાંત કુલદીપ, શક્તિસિંહ, મયુર રામાનંદી અને જયરાજસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભચાઉ ફાયર ટીમના જવાનોની જોખમ વચ્ચેની આ કામગીરીની પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar