
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિ.સ.): લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, રવિવારે પરમ વીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર ધન સિંહ થાપાને તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.
બિરલાએ એક્સ પર લખ્યું, 1962ના ભારત-ચીન યુદ્ધના નાયક અને પરમ વીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર ધન સિંહ થાપાને તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ! તેમની બહાદુરી અને નેતૃત્વ ભારતીય લશ્કરી ઇતિહાસના ગૌરવશાળી પ્રકરણોનો ભાગ છે, જેને રાષ્ટ્ર હંમેશા ગર્વથી યાદ રાખશે.
ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલ, 1928ના રોજ શિમલામાં જન્મેલા થાપા ઓક્ટોબર 1962માં લદ્દાખમાં પેંગોંગ તળાવના ઉત્તરી કિનારે 'સિરિજાપ-1' પોસ્ટ પર 28 સૈનિકો સાથે તૈનાત હતા. ચીની સેનાએ ભારે તોપખાના અને ટેન્કોથી હુમલો કર્યો. મેજર થાપા અને તેમના સૈનિકોએ જય મહાકાલી, આયો ગોરખાલી ! ના નારા સાથે દુશ્મનના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.
જ્યારે તેમનો દારૂગોળો ખતમ થઈ ગયો, ત્યારે તેઓ ઝપાઝપીમાં ઉતર્યા અને અંતે ચીની સૈનિકોએ તેમને પકડી લીધા. ભારતે તેમને શહીદ માન્યા અને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજ્યા, પરંતુ જ્યારે દોઢ વર્ષ પછી, મે 1963 માં તેમને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા, ત્યારે સમગ્ર રાષ્ટ્ર તેમને પાછા મેળવીને આશ્ચર્યચકિત અને આનંદિત થયું. 24 વર્ષ દેશની સેવા કર્યા પછી, તેઓ સેનામાંથી નિવૃત્ત થયા અને 6 સપ્ટેમ્બર, 2005 ના રોજ તેમનું અવસાન થયું.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ