
વલસાડ, 07 સપ્ટેમ્બર (હિ.સ.)
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે માદક પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત SOG વલસાડને મહત્વની સફળતા મળી છે. તલવાડા ઓવરબ્રિજ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 9.961 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ. 4,98,050 સહિત કુલ રૂ. 5,83,050નો મુદ્દામાલ ઝડપી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી SOG PI ડી.ડી. પરમારની રાહબરી હેઠળ PSI વાય.પી. હડીયા તથા ટીમ દ્વારા ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ઉમરગામ તાલુકાના તલવાડા ખાતે નેશનલ હાઇવે નં. 48 પર, તલવાડા ઓવરબ્રિજના દક્ષિણ છેડે વાહન ચેકિંગ દરમિયાન ચાર શખ્સોને શંકાના આધારે ઝડપી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના કબજામાંથી 9.961 કિલો ગાંજો, પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 85,000, પાંચ ખાલી પાર્સલ રેપર તથા ગાંજાના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી ચાર થેલી/બેગ મળી આવી હતી.
પોલીસે આ મામલે **મોહમદ મોમિન ઉર્ફે રેહાન (ઉ.વ. 29), રાહુલસિંહ (ઉ.વ. 26), ખુન્નુર આલમ (ઉ.વ. 27) અને સંદીપકુમાર ગૌતમ (ઉ.વ. 26)**ની ધરપકડ કરી છે. આરોપીઓ હાલમાં સેલવાસ તથા વાપી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેઓ મૂળ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 20(B)(II)(B) અને 29 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી SOG PI ડી.ડી. પરમાર, PSI વાય.પી. હડીયા સહિત SOG વલસાડના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha