પોરબંદર,11 ઓક્ટોબર (હિ.સ.)જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પોરબંદર દ્વારા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તેમજ આશ્રીતોના કલ્યાણ હેતુથી પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન તા. 12 ઓક્ટોબર,2025ના રોજ સવારના 08:30 થી બપોરના 1:45 સુધી કોમ્યુનિટી હોલ, નગરપાલિકા વેરાવળ, જીલ્લો ગીર સોમનાથ ખાતે યોજાશે.
આ સંમેલન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવારજનોને કેન્દ્ર તથા રાજ્ય સરકાર તેમજ રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સહાયની માહિતી પહોંચાડવાનો છે.ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ અને આશ્રીતોને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. જેઓને આમંત્રણપત્ર પ્રાપ્ત ન થયું હોય, તેઓને પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવે છે.
સંમેલનમાં ઉપસ્થિત રહેતા લાભાર્થીઓ માટે આવાગમનના મુસાફરી ભથ્થાનું ચુકવણી કોર બેંકિંગ મારફતે કરવામાં આવશે. તે માટે ઉપસ્થિત રહેતા તમામ વ્યક્તિઓએ પોતાનો એસ.બી.આઈ. અથવા અન્ય બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ, ઓળખપત્ર તથા મુસાફરીની ટીકીટ સાથે લાવવા વિનંતી છે. આ સંમેલન દ્વારા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો હેતુ પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનો સુધી સરકારની સહાય અને યોજનાઓની માહિતી સુલભરીતે પહોંચાડવાનો છે જેથી તેઓને વિવિધ લાભોથી વધુ અસરકારક રીતે વાકેફ કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya