જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બસમાં બેઠેલા સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઈ છે, અને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
જામનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ સવારે 8:00 વાગ્યાના અરસામાં જામનગરથી નીકળીને મોરબી તરફ જઈ રહી હતી, તે દરમિયાન ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે એક ડમ્પરના ચાલકે ખાનગી લક્ઝરી બસને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બસની અંદર બેઠેલા સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. જે બનાવ અંગે 108ની ટીમને જાણ કરાતાં જુદી જુદી બે 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જોકે ઇજા વધુ ન હોવાથી તમામને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે. આ બનાવની જાણ થતાં ધ્રોલનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં દોડતો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt