સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે વિકાસરથ ગામે ગામ ફરીને વિકાસલક્ષી કાર્યોની વિગતો આપી રહ્યો છે ત્યારે આજરોજ મહુવા તાલુકાના અનાવલ ગામ ખાતે વિકાસ રથ આવી પહોચ્યો હતો. જયાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સહિતના મહાનુભાવોએ સ્વાગત સાથે જનવિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો અને ગરીબ વર્ગના હિતમાં અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. છેલ્લા 24 વર્ષમાં વડાપ્રધાનના નેતૃત્વમાં અવિરત ગુજરાત દરેક ક્ષેત્રે નવી સિધ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજય સરકારે અનેકક્ષેત્રે જનવિકાસલક્ષી યોજનાઓના લાભો ગ્રામીણ વિસ્તારમાં રહેતા જન-જન સુધી પહોચતા કર્યા છે. આ અવસરે મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.
આ અવસરે પદાધિકારીઓ અને ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા.
આ પ્રસંગે તા.પં. પ્રમુખ શિલાબેન પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ રમીલાબેન, મામલતદાર ભરતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મિલનભાઈ પાવરા, આરોગ્ય અધિકારી, આઈ.સી.ડી.એસના નિકિતાબેન, ગ્રામસેવક સહિત ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે