પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં રૂપિયા 8.23 લાખની છેતરપિંડીના કેસમાં પકડાયેલા ઠેકેદાર જીતેન્દ્ર ફુલાભાઇ પટેલની નિયમિત જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટ દ્વારા બીજીવાર ફગાવવામાં આવી છે. આરોપી પાલનપુરનો રહેવાસી છે અને કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ તેણે જામીન માટે ફરી અરજી કરી હતી.
આ કેસ પાટણ જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન (પંચાયત) શાખાને રજૂ કરાયેલ ખોટી બેંક એફ.ડી. અને ઈ-સ્ટેમ્પના આધારે નોંધાયો હતો. આ ટેન્ડર ગાંધીનગર આરએન્ડબી દ્વારા 13 જાન્યુઆરી, 2022ના રોજ સિદ્ધપુરના કલ્યાણા-નેદ્રોડા રોડ માટે આપવામાં આવ્યો હતો. આરોપી સામે IPC કલમ 201 અને 255 ઉમેરવામાં આવી છે.
સેશન્સ જજ એમ.એ. શેખે જણાવ્યું હતું કે ચાર્જશીટ દાખલ થવી પોતે કોઈ નવા સંજોગો ન હોવાનું માન્ય છે. અગાઉ જેવી પરિસ્થિતિ હતી, તેવી જ હાલ પણ છે. પુરાવા અકબંધ છે અને આરોપી સામે પ્રથમદર્શીય કેસ દર્શાય છે, જેમાં તેણે સક્રિય ભૂમિકા ભજવી છે.
આરોપી જીતેન્દ્ર પટેલ 12 સપ્ટેમ્બર, 2022થી ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે અગાઉ આગોતરા અને નિયમિત જામીનની અરજીઓ દાખલ કરી હતી, જે નામંજૂર થઈ હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પણ તેણે પાછી ખેંચી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ