અમદાવાદ, 11 ઓક્ટોબર (હિ.સ.): અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય દીકરી દિવસના શુભ અવસરે સાણંદ તાલુકા પંચાયત હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર પ્રેરણાદાયી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ અન્ય દીકરીઓને પ્રેરણા આપવાનો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ સેવાકાર્ય કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, જે તેમના સમર્પણ અને મહેનતને બિરદાવે છે.
કાર્યક્રમ દરમિયાન 'પોષણ સપ્તાહ'ની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સપ્તાહ અંતર્ગત કિશોરીઓના આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સશકતીકરણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનો સંદેશ સ્પષ્ટ કરાયો હતો કે, દીકરીઓને સમાજમાં સમાન સ્થાન મળે, તેમનો આત્મવિશ્વાસ વધે અને નવી પેઢીને સકારાત્મક પ્રેરણા મળે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ વાસુભાઈ ગોહેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગરભાઈ જસાણી, પ્રોગ્રામ ઑફીસર ગૌરીબહેન સોલંકી, દહેજ પ્રતિબંધક અધિકારી તન્વીબહેન ચાવડા, બાળ વિકાસ યોજના અધિકારી ગાયત્રીબહેન જસાણી અને જાગૃતિબેન રાવલ, તેમજ સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ટીમ, પૂર્ણા કન્સલ્ટન્ટ, મુખ્ય સેવિકા બહેનો અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તથા કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ