પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.)દિવાળી અગાઉ પાટણ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુસર પાટણ નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન માટે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો, એસઆઈ અને વાહન શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતા છોટા હાથી વાહનોની કામગીરીમાં વધુ લગાવ રાખવા અને તમામ વોર્ડમાં સ્વચ્છતા જાળવવા માટે વોર્ડ ઇન્સ્પેક્ટરોને કડક નિર્દેશો આપ્યા હતા. તેમણે દરેક વિસ્તારમાં નિયમિત સફાઈ અને કચરાના યોગ્ય નિકાલ પર ભાર મુક્યો હતો.
સ્વચ્છતા અભિયાન સાથે- સાથે પાટણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંદેશ સાથે પાલિકા પ્રમુખે શહેરીજનોને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ દિશામાં વોર્ડ ઇન્સ્પેક્ટરો અને એસઆઈને પણ તાકીદના ધોરણે માર્ગદર્શન અપાયું છે કે જેથી શહેરનું પર્યાવરણ સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ