કોલકતા, નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.): બિહારના ભૂતપૂર્વ એનડીએ નેતા રાજીવ રંજન કુમારની, કરોડોની છેતરપિંડીના આરોપસર પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરવામાં આવી છે. બિધાનનગર પોલીસે તેમને બિહારથી ધરપકડ કરી હતી, જ્યાં તેઓ છેલ્લા ઘણા અઠવાડિયાથી ફરાર હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીવ રંજન કુમારે ભારતીય સબલોગ પાર્ટીના ઉમેદવાર તરીકે સાસારામ મતવિસ્તારમાંથી 2020 ની બિહાર વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ, તેમણે કોલકતાના સોલ્ટ લેક વિસ્તારમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો અને ત્યાં નકલી ધંધો ચલાવીને ઘણા લોકો સાથે મોટી રકમની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
બિધાનનગર પોલીસ કમિશનરેટની ગુપ્તચર શાખાએ સપ્ટેમ્બરમાં નોંધાયેલા બે અલગ અલગ છેતરપિંડીના કેસોની તપાસ કરતી વખતે તેમને ટ્રેક કરીને ધરપકડ કરી હતી. બંને કેસ સોલ્ટ લેક પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
બિધાનનગર પોલીસ કમિશનરેટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલો કેસ 7 સપ્ટેમ્બરના રોજ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજીવ રંજન કુમારે કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઇન્દ્રજીત ચટ્ટોપાધ્યાય સાથે આશરે ₹4.5 કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસનું કહેવું છે કે તેણે ખોટા બહાના હેઠળ પૈસાની ઉચાપત કરી હતી.
બીજો કેસ 14 સપ્ટેમ્બરના રોજ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં, તેના પર દસ્તાવેજો બનાવટી બનાવવાનો અને સોલ્ટ લેકના સીડી બ્લોકમાં ₹1 કરોડની મિલકત ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ છે. ફરિયાદ એજે બ્લોકના એક રહેવાસીએ નોંધાવી હતી, જેમણે આરોપ લગાવ્યો હતો કે રાજીવે મિલકતના દસ્તાવેજો ખોટા બનાવીને ગેરકાયદેસર રીતે વેચી દીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસની જાણ થતાં રાજીવ રંજન કુમાર બિહાર ભાગી ગયો હતો. આ બાદ, બિધાનનગર પોલીસે એક ખાસ ટીમ બનાવીને દરોડા પાડ્યા હતા અને બિહારથી તેની ધરપકડ કરી હતી. તેની સામે છેતરપિંડીના બે અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે.
પોલીસ હવે આ છેતરપિંડીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓ કહે છે કે, આગામી દિવસોમાં વધુ ધરપકડો શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ