ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચના અંતર્ગત ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી. એન. બરુઆના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૨ થી ૧૪ ઓક્ટોબર - ૨૦૨૫ દરમ્યાન પોલીયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
સમગ્ર જિલ્લામાં ૫૩૮ બુથ, ૧૦૭૬ ટીમ, ૨૧૩૪ ટીમ સભ્યો, અને ૧૦૮ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી જીલ્લાના ૦ થી ૫ વર્ષના ૧૩૪૫૩૩ કરતા વધુ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.
જે અંતર્ગત પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના બે ટીપાં પીવડાવામાં આવશે અને ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને આરોગ્ય કર્મચારીની ટીમના સભ્યો દ્વારા ઘરે-ઘરે ફરીને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના વિવિધ બૂથ કેન્દ્રો પર અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહીને પોલીયો નાબુદી અભિયાન મિશનને સફળ બનાવવા બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવીને શરૂઆત કરશે.
આ કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવા તથા કોઈ બાળક બાકી રહી ન જાય તે ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા જણાવાયું હતું.
આ ઝૂંબેશમાં વધુ બાળકોને સહભાગી બનાવી અને કોઈ બાળક રહી ન જાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, RCHO ડો અરુણ કુમાર રોય દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ