ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ અંતર્ગત ગીર સોમનાથના જીલ્લામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ઘૂસિયા ખાતેની સરકારી આઈ.ટી.આઈ. ખાતેથી તમાકુ મુક્ત યુવા અભિયાન 3.૦ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સોશ્યલ વર્કર દીપ્તિ વ્યાસે અભિયાનનો હેતુ જણાવતા કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તમાકુ મુક્ત થાય અને આપણા યુવાનોને તમાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે, તમાકું એ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. એમ કહી તેમણે સૌએ સાથે મળીને ગીર સોમનાથ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાને તમાકુમુક્ત કરવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તમાકુ મુક્ત યુવા અભિયાન 3.૦ ની વ્યૂહરચના પર આવનાર ૬૦ દિવસમાં કામ કરવામાં આવશે. જિલ્લા માં ૪૦૦ જેટલી તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા, ૩૦ ગામો તમાકુ - સ્મોક ફ્રી વિલેજ, COTPA ૨૦૦૩ એક્ટની સખત અમલવારી સાથે દંડ વસૂલાત અને સોશ્યલ મીડિયા મારફતે જન જાગૃતી ફેલાવવામાં આવશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ વ્યસન મુક્તિના શપથ લીધા હતાં તેમજ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત યોજેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતાઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. યોગ્ય ગાઈડલાઈન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા આઈ.ટી.આઈને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી હતી.
આ તકે સી.એચ.ઓ ક્રિષ્નાબેન જેઠવા તથા આઈ.ટી.આઈ. ફોરમેન એચ.જે.પરમાર, એસ.આઈ. વી.પીબારડ, એ.જે.ગોહેલ, યુ.કે.જાદવ, સીનીયર ક્લાર્ક એન.વી.ઓઝા, સાથે આઈ.ટી.આઈ.ના ૩૦૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ