જૂનાગઢ ૧૧ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માણાવદર તાલુકાના નાકરા ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિકાસ રથના માધ્યમથી લોકોએ વિકાસની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી અને વિવિધ સરકારી યોજનાઓથી તેઓ માહિતગાર બન્યા હતા. કાર્યક્રમમાં ૧૯ જેટલા લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ લાભ એનાયત કરવામાં આવ્યા હતા.
તેમજ તેઓએ સ્ટેજ ઉપરથી પોતાની સાફલ્ય ગાથાઓ પણ આ સાથે બધાની સમક્ષ રજૂ કરી હતી. મહેમાનો અને રથનું ગ્રામજનોએ ઢોલ નગારાના નાદ સાથે કુમકુમ તિલક, પુષ્પગુચ્છ આપીને, દીપ પ્રાગટ્ય વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમમાં રૂ.૬૪.૮૮ લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ રૂ.૬૯.૭૧ લાખના લોકાર્પણો કરવામાં આવ્યા હતા. કુલ ૧૧૩ વિવિધ વિકાસ કાર્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ નશામુક્ત ભારત અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. સમારોહ દરમિયાન ગામના આગેવાનઓ, વિવિધ અધિકારીગણ, કર્મચારીગણ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ