અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): આજરોજ અમરેલી જિલ્લાના સરંભડા ગામ ખાતે ‘વિકસિત ગામ – વિકસિત ગુજરાત’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપસ્થિત રહી ગામના લોકો સાથે સીધી સંવાદસભા યોજી. તેમણે ગ્રામ વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી અને ગ્રામજનોને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો.
કાર્યક્રમ દરમ્યાન ગ્રામજનોને સ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, કૃષિ સહાય યોજનાઓ, અને સ્વ-રોજગાર પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. ધારાસભ્યએ જણાવ્યું કે “વિકસિત ગામ જ વિકસિત ગુજરાતનું મૂળ છે,” અને દરેક ગામમાં આધારભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે સુધારા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
તેમણે સરકારી તંત્ર અને ગ્રામજન વચ્ચે સમન્વય વધારવા પર ભાર મૂક્યો, જેથી યોજનાઓનો લાભ સીધો લાભાર્થી સુધી પહોંચી શકે. કાર્યક્રમના અંતે ગ્રામજનો દ્વારા પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા અને ધારાસભ્યએ તમામને વિકાસયાત્રામાં સહભાગી થવા અપીલ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai