ગાંધીનગર, 11 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.
‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.
પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ