પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સિદ્ધપુર તાલુકાના મામવાડા, રામગઢ સહેસા અને વાધણા ગામના ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓએ આર્થિક લાભ માટે અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં વેચાણ કરવાનો ષડયંત્ર રચ્યું હતું.
આ ગુનામાં બારડ જગતસિંહ મોહબતસિંહ (ઉંમર ૩૨) અને બારડ રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ (ઉંમર ૩૫), બંને મામવાડા ગામના નિવાસી છે, તેમજ ઠાકોર જેશળજી દાદુજી (રામગઢ સહેસા) અને તલાજી પરબતજી ઠાકોર (વાધણા) સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી જગતસિંહના કબજામાંથી વિદેશી દારૂની 4032 બોટલ/ટીન સહિત ₹12,24,040ની કિંમતનો દારૂનો જથ્થો અને ₹20,000ના 2 ઓપો મોબાઇલ ફોન મળ્યા હતા. કુલ ₹12,44,040નો મુદ્દામાલ જપ્ત થયો છે.
પોલીસે આ કેસમાં બારડ જગતસિંહ મોહબતસિંહ અને બારડ રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહની ધરપકડ કરી છે, જ્યારે ઠાકોર જેશળજી દાદુજી અને તલાજી પરબતજી ઠાકોર હાલ ફરાર છે. તેમના ઝડપ માટે પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે.
કેસ સંબંધે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી ચાલુ છે. LCB પાટણની ટીમે ષડયંત્રનો ભંડાફોડ કરીને વધુ ગુનાઓ અટકાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ