પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.): પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી એરોપોનિક્સ ટાવર કૃતિએ QDC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે આ કૃતિ SVS કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પટેલ ક્રીમા ચેતનકુમાર અને પ્રજાપતિ વિશ્વા અશ્વિનભાઈએ શિક્ષક શ્રી પ્રકાશભાઈ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ આ કૃતિ તૈયાર કરી હતી. શાળાની અન્ય ત્રણ કૃતિઓ સાથે કુલ ચાર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, પરંતુ એરોપોનિક્સ ટાવરએ સૌથી વધુ સફળતા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
એરોપોનિક્સ ટાવર કૃતિમાં જમીન વિના માત્ર પાણી અને હવા વડે પાક ઉગાડવાની નવીન ટેકનિક રજૂ કરાઈ છે. પદ્ધતિમાં ઓછા પાણીમાં વધુ ઉત્પાદનની શક્યતા હોય છે અને આ પદ્ધતિ વધતી વસ્તી, ઘટતી ખેતીની જમીન તથા ખેતીમાં થતા રસાયણના વપરાશ સામે એક પર્યાવરણીય વિકલ્પરૂપ સાબિત થાય છે.
એન.સી.ઈ.આર.ટી. દ્વારા આયોજિત આ પ્રકારના પ્રદર્શનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારધારાનો વિકાસ કરાવવો છે. શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, સંચાલક મંડળના ડૉ. જે.કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ અને અન્ય સંચાલકોએ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને શુભેચ્છા પાઠવી, તેમની આગામી સફળતાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ