પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.)વસ્ત્રાસર કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પડેલા ભંગાણને કારણે રોયલ હોમ્સ સોસાયટીના રહીશો તીવ્ર મુશ્કેલી ભોગવી રહ્યા છે. કેનાલમાંથી દૂષિત પાણી લીક થઈ નજીકના ખેતરોમાં ભરાઈ જાય છે, જેના કારણે આખો વિસ્તાર તળાવ સમાન બની ગયો છે. આ પાણી સોસાયટીના મકાનોની તળિયા સુધી પહોંચી જતાં ઘરોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે અને ઘર બેસી જવાના ભયથી રહેવાસીઓમાં ભયનું માહોલ છે.
આ ગંભીર સમસ્યા પાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને પાણીની સમસ્યાને તાત્કાલિક ધોરણે નિયંત્રણમાં લેવા માટે પગલાં લેવાયા છે.
પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, તૂટેલા પાળાની જગ્યાએ હિટાચી મશીન વડે કેનાલની સફાઈ કરવામાં આવશે. સાથે જ, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેનાલની આજુબાજુ કમ્પાઉન્ડ વોલ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ