જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં નંદધામ સોસાયટીના રહીશોએ તેમના કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અને તેમાંથી ભાડું ઉઘરાવવાના મુદ્દે સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સોસાયટીના સભ્યોએ રેંકડી સાથે ઘંટનાદ કરતાં મહાનગરપાલિકાની કચેરી સુધી રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મળતી માહિતી મુજબ, જામનગરમાં પ્રણામી સ્કૂલ સામે આવેલા નંદધામ સોસાયટી રહીશોનો દાવો છે કે, 'સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કર્યા હોવાનું સામે આવ્યુ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ગેરકાયદેસર બાંધકામના ભાડાની રકમ પણ ઉઘરાવવામાં આવે છે.'
સમગ્ર મામલે સોસાયટીના વકીલની આગેવાનીમાં આ મુદ્દે અગાઉ પણ મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા ન આવ્યા હોવાનું સોસાયટીના રહીશોનું કહેવું છે.
આજે સોસાયટીના રહીશોએ આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ એકત્ર થયા હતા. જેમાં રેંકડી લઈને અને ઘંટ વગાડીને મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કમિશનરને આવેદનપત્ર આપીને દબાણ કરનારાઓ સામે તાત્કાલિક અને નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કોમન પ્લોટને દબાણમુક્ત કરવાની તેમની આ માંગણીથી શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે ફરી ચર્ચા જાગી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt