મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ આજે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર ગણાતા ઊંઝા સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે પૂજા–અર્ચન કરી માતાજીના આશીર્વાદ લીધા. તેમણે રાજ્ય અને દેશના સર્વાંગી કલ્યાણ, સમાજમાં શાંતિ, સમૃદ્ધિ અને સૌના સુખાકારી માટે માતાજી સમક્ષ પ્રાર્થના અર્પી હતી.
ઉમિયા માતાજી મંદિર પ્રાચીન ધાર્મિક આસ્થાનું પ્રતિક છે, જ્યાં દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે પહોંચે છે. મંદિર પ્રાંગણમાં પહોંચતા પ્રદેશ ભાજપ પ્રમુખનું ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટીઓ અને ભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
આ અવસરે તેમણે ઉમિયા માતાજી સંસ્થાનના સમાજસેવા અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટેની પ્રશંસા વ્યક્ત કરી અને જણાવ્યું કે ઉમિયા માતાજી માત્ર ભક્તિનું પ્રતિક જ નહીં, પરંતુ સમાજ એકતાનું પ્રેરણાસ્થાન પણ છે. તેમણે ઉમિયા માતાજી સંસ્થાન તરફથી મળેલા સ્નેહ અને આદર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આસ્થા અને સેવા સાથે જોડાયેલા આવા મંદિરો સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR