ગાંધીનગર, 11 ઓક્ટોબર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સરકાર સાથે જોડીને ‘સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ સર કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો તેના સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે તેવા વડાપ્રધાનના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે.
મુખ્યમંત્રી મહેસાણા જિલ્લાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રદેશની દ્વિ-દિવસિય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
તેમણે “વેલ બિગન ઇઝ હાફ ડન” ઉક્તિનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, વડાપ્રધાનએ ગ્લોબલ વિલેજ અને વોકલ ફોર લોકલનો જે વિચાર આપ્યો તેને પ્રથમ રિજનલ કોન્ફરન્સની આ સફળતાએ બળ આપ્યું છે.
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતની આ રિજનલ કોન્ફરન્સની ફલશ્રુતિ આપતા જણાવ્યું કે, બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ. દ્વારા સંભવિત 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં આવનારા સમયમાં આવશે અને પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.
તેમણે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આવી અપ્રતિમ સફળતાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનને આપ્યો હતો. એટલું જ નહીં પાર્ટનર કન્ટ્રીઝ, કોન્ફરન્સમાં જોડાયેલા દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ટીમ ગુજરાતના કર્મયોગીઓને પણ તેમણે આ સફળતાના હક્કદાર ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પાડીને દરેક સમિટ નવી ઉર્જા, નવા રોજગાર અવસર અને નવા રોકાણો આપણને મળ્યા છે. હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ કોન્ફરન્સનો પ્રયોગ વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બન્યો છે. ઉત્તર ગુજરાતની આ પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા દર્શાવે છે કે રાજ્યમાં વિકાસ ‘ગામથી ગ્લોબલ’ની દિશામાં અવિરત આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ સમિટના વિચારને તત્કાલીન સમયે પડકારો વચ્ચે સાકાર કરીને વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર સિદ્ધિઓ અપાવી તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી.
તેમણે આ દ્વિ દિવસિય કોન્ફરન્સમાં યોજાયેલા ચર્ચા સત્રો, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને એમ.ઓ.યુ. રિજનલ ડેવલપમેન્ટનો નવો અધ્યાય રચાશે તેવો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં યોજાનારી અન્ય પ્રદેશોની રિજનલ કોન્ફરન્સમાં પણ લોકોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે બે દિવસીય કોન્ફરન્સની સફળતાનો ચિતાર આપતાં જણાવ્યું કે, “આ સમિટમાં ૩૪ જેટલી વિદેશી કંપનીઓએ ભાગ લીધો છે. ૧૭૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ જોડાયા છે. નાના અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગપતિઓ સહભાગી બન્યા છે. ૮૦થી વધુ દેશોની ભાગીદારી સાથે આ સમિટ વૈશ્વિક બની છે. કૃષિ સેમિનારમાં જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને નેધરલેન્ડ જેવા દેશોએ ભાગીદારી નોંધાવી છે. દેશ-વિદેશના મળીને કુલ ૨૯,૦૦૦ જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.”
મહેન્દ્રા એગ્રીના CEO અશોક શર્મા તથા વેલસ્પન ગ્રુપના CEO કપિલ મહેશ્વરીએ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનને બિરદાવતા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટેની ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને પોટેટો ફૂડ પ્રોસેસિંગ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતની પ્રગતિ અંગે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ગણપત યુનિવર્સીટીના પ્રમુખ ગણપતભાઇ પટેલ, મહિન્દ્રાના સીઇઓ દેવીન્દર સિંઘ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ઔધોગિક એસોશિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ