પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.)આગામી દિવાળી પર્વને ધ્યાને લઈને પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પાટણ પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. બગવાડા ચોક ખાતે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજી હતી, જેમાં નંબર પ્લેટ વગરના વાહન, લાયસન્સ વિનાના ચાલકો અને કાળા કાચ વાળા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને કોઈ રીતે છોડવામાં નહીં આવે. ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને કોઈ દસ્તાવેજ વિના ફરતા વાહન ચાલકો અને કાયદાવિરૂદ્ધ રીતે કાચ પર બ્લેક ફિલ્મ લગાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ, પોલીસ વિભાગે જાહેરમાં અપીલ કરી છે કે લોકોને નિયમોનું પાલન કરવું જોઈએ અને તમામ જરૂરી દસ્તાવેજો રાખવા જોઈએ.
તહેવારોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખી પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગનો ઉદ્દેશ્ય ટ્રાફિકની ગીચતા ઘટાડવો અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે આવી પ્રકારની ચેકિંગ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ નિયમિત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ