પાટણ, 11 ઓક્ટોબર (હિ.સ.)પાટણના સરદાર કોમ્પલેક્ષ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જવાથી પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા 30 દિવસથી પાણી સતત તૂટીેલી લાઇનમાંથી વહી રહ્યું છે અને સીધું ગટરમાં ભળી રહ્યું છે. આ પાણી સ્ટ્રોમ વોટર લાઇન મારફતે આનંદ સરોવર સુધી પહોંચે છે, જે પર્યાવરણ અને જળસંરક્ષણ માટે ગંભીર સમસ્યા ઊભી કરે છે.
આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે. નગરપાલિકાના ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ સ્થળની મુલાકાત લીધી હોવા છતાં, હાલ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને તંત્રની નિષ્ક્રિયતા યથાવત રહી છે.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આ મામલે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે જ્યાં એક તરફ રાજ્યમાં પાણીની અછતની ચિંતા છે, ત્યાં બીજી તરફ લાખો લિટર પીવાનું પાણી બિનજરૂરી રીતે વેડફાઈ રહ્યું છે. તેમણે તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને સમસ્યાનું સમાધાન લાવવા માટે ઉગ્ર માંગણી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ