રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન
ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો. વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન


ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો.

વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિના દ્વારા ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.

સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક પરિસરમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મુખ્ય કાર્યસ્થળ એવી આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. તેમણે આ સ્વાધીનતા સંગ્રામના આદર્શોની ભૂમિ પરથી બાપુની પાવન સ્મૃતિને આદરપૂર્વક નમન કર્યા હતા.

રાષ્ટ્રપતિએ વિદ્યાપીઠના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, વર્ષ ૧૯૨૦માં બ્રિટિશ સરકાર વિરુદ્ધના અસહકાર આંદોલન દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે દેશવાસીઓને બ્રિટિશ હસ્તકની શાળાઓ અને કૉલેજોનો ત્યાગ કરી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે આહ્વાન કરાયું હતું. આ આહ્વાનને પગલે દેશવાસીઓના સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ, રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોનું ૧૦૫ વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે.

તેમણે ઉમેર્યું કે, ઓક્ટોબર ૧૯૨૦માં સ્થાપનાથી લઈને જાન્યુઆરી ૧૯૪૮ સુધી સ્વયં મહાત્મા ગાંધીજી આ સંસ્થાના કુલાધિપતિ (ચાન્સેલર) રહ્યા હતા. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોએ કુલાધિપતિ તરીકે વિદ્યાપીઠને માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે, દેશમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેને ૭૫ વર્ષ સુધી આવી મહાન વિભૂતિઓનું માર્ગદર્શન મળ્યું હોય, અને આ જ કારણે દેશવાસીઓને વિદ્યાપીઠ પાસેથી વિશેષ અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે.

રાષ્ટ્રપતિએ ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્વેના એક દીક્ષાંત સમારોહને યાદ કરતાં કહ્યું કે, ગાંધીજીએ તે સમયે વિદ્યાર્થીઓને દેશના સ્વરાજ આંદોલનમાં અગ્રેસર રહેવા આહ્વાન કર્યું હતું. આ દર્શાવે છે કે બાપુ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અભિયાનમાં અગ્રણી તરીકે જોતા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા ૫૦,૦૦૦ ગ્રામ્ય વિચરણ કરીને કરવામાં આવેલી સમાજ સેવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.

ગુજરાતની સ્વરોજગાર અને ઉદ્યમશીલતાની સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, દેશ-વિદેશમાં ગુજરાતીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમણે વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાની આ સંસ્કૃતિના સંવાહક બની તેને સમગ્ર દેશમાં પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું, સ્વદેશીના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તમારે સક્રિય ભૂમિકા ભજવવાની છે. ‘રાષ્ટ્ર સર્વોપરી’ની ભાવના સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે.

શિક્ષણનો સાચો અર્થ અને સામાજિક દાયિત્વ

ગાંધીજીના વિચારોને ટાંકીને રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, આશાનું કિરણ બહાર નહીં, પરંતુ આપણા હૃદયની અંદર શોધવાનું છે. તેમણે વિદ્યાપીઠના સૂત્ર ‘सा विद्या या विमुक्तये’ નો અર્થ સમજાવતા કહ્યું કે, જે વિદ્યા મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. માત્ર આજીવિકા માટે વિદ્યા ગ્રહણ કરવી ઉચિત નથી, કારણ કે વિદ્યા તો આજીવન ચાલનારી પ્રક્રિયા છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને ધ્યાનમાં રાખીને જીવન જીવવા અને સમાજ સેવા દ્વારા દેશનું ઋણ ચૂકવવા માટે પ્રેરણા આપી.

તેમણે ‘સર્વોદય’ના સિદ્ધાંતને અનુસરીને સમાજના વંચિત વર્ગોના હિતમાં કામ કરવા અને પર્યાવરણ અનુકૂળ વિકાસ માટે પ્રયાસ કરવા જણાવ્યું.

રાષ્ટ્રપતિએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે વિદ્યાપીઠમાંથી સ્નાતક થનાર દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે દીકરીઓને શિક્ષણમાં સમાન તકો અને જરૂર પડ્યે વિશેષ સુવિધાઓ મળવી જોઈએ. તેમણે નવી શિક્ષણ નીતિની પ્રશંસા કરતાં કહ્યું કે, આ નીતિએ સ્થાનિક ભાષાઓ, ભારતીય જ્ઞાન પરંપરા, ચારિત્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોને શિક્ષણના મૂળમાં સ્થાન આપ્યું છે.

અંતમાં, તેમણે સૌ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, પૂજ્ય બાપુએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના માત્ર શિક્ષણ માટે જ નહોતી કરી, પરંતુ રાષ્ટ્રને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનો તેમનો ઉદ્દેશ હતો. તેમણે સત્ય, અહિંસા અને ભારતીય મૂલ્યોને આધારે સ્વતંત્રતાનો માર્ગ દર્શાવ્યો હતો.

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, દીક્ષાંત સમારંભ દરેક સંસ્થાન માટે અત્યંત મહત્વનો પ્રસંગ છે. આજે તમે બધા જે પદવી પ્રાપ્ત કરી છે તે માત્ર તમારા માટે નહિ પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદારીનો આરંભ છે.

પૂજ્ય બાપુના સ્વાવલંબન અને સ્વદેશી આધારિત રાષ્ટ્ર નિર્માણના વિચારનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર અને વિકસિત ભારતની દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યા છે. જો આપણે સૌ સ્વદેશી અપનાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો પૂજ્ય બાપુના સપનાઓનું ભારત બનાવી શકીશું.

રાજ્યપાલએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, વિદ્યાર્થીઓ તેમના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે.

ગુજરાત વિદ્યાપીઠના ૭૧મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે અમૃતકાળમાં આઝાદીની શતાબ્દી તરફ ગતિ કરી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ સંસ્થામાંથી દીક્ષાંતનો અવસર ગૌરવમય છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝન પર પ્રકાશ પાડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી મોદી સાહેબે સુરાજ એટલે કે ગુડ ગવર્નન્સનો મંત્ર આપ્યો છે. તેમણે જાતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતાને એક જન આંદોલન બનાવ્યું છે. ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ના આહ્વાન દ્વારા સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામે છેલ્લા ૧૧ વર્ષમાં ખાદીના વેચાણમાં ૪૪૭ ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના મતે દરેક વસ્તુનો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ સ્કીલ, ઇનોવેશન અને મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આ ત્રણેય શક્તિઓ દેશના નવયુવાનોમાં રહેલી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ જ તાકાતથી આપણે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરી શકીશું.

અંતમાં, તેમણે સૌ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ દીક્ષાંત પ્રતિજ્ઞા લીધી હતી.

આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના પ્રધ્યાપકો, શિક્ષણવિદ એવા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande