જામનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) :જામનગરના પ્રખ્યાત રણમલ તળાવ-1 ખાતે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવેલાં આશરે 2000 જેટલાં વૃક્ષો હવે સુખાકારીથી વધવા લાગ્યાં છે. આ બધા વૃક્ષોમાં નવી કૂપણો ફૂટી છે, જે પર્યાવરણપ્રેમીઓ અને શહેરવાસીઓ માટે આનંદનો વિષય છે.
મિયાવાકી પદ્ધતિ અંતર્ગત વિવિધ જાતનાં સ્થાનિક વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવે છે, જેના કારણે વૃક્ષો ઝડપથી વધે છે, અને કુદરતી જંગલ જેવી હરિયાળી વિકસે છે. રણમલ તળાવના ટાપુઓ પર કરવામાં આવેલો આ પ્રયોગ શહેરમાં હરીયાળી વધારવા અને પર્યાવરણ સુધારવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન કવર ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે, જે અંતર્ગત દેશભરમાં હરિયાળી અને પર્યાવરણ સંતુલન વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયોગ માત્ર વૃક્ષારોપણ પૂરતો નથી, પરંતુ તે તળાવના આસપાસનું પર્યાવરણીય તંત્ર મજબૂત બનાવે છે, જેમાં પ્રવાસી પક્ષીઓ માટે નિવાસસ્થાન તૈયાર થઈ શકે છે, અને જૈવવૈવિધ્ય વધારવામાં સહાયરૂપ બને છે.
આ હરિયાળો વિસ્તાર પાણી સાથે સંકળાયેલ કુદરતી પર્યાવરણને સમૃદ્ધ બનાવશે, અને સ્થાનિક આબોહવા સુધારવામાં મદદરૂપ થશે. રણમલ તળાવની આસપાસની આ નવી હરિયાળી ભવિષ્યમાં નાનકડા ઈકોસિસ્ટમ તરીકે વિકસી શકે છે, જે વિવિધ પ્રાણી-પક્ષીઓ અને વનસ્પતિ માટે અનુકૂળ માહોલ પૂરો પાડશે.
આવી જ હરિયાળીની પહેલો જામનગરના સ્વચ્છ, હરિયાળા અને સુંદર પર્યાવરણના સપનાને સાકાર કરવામાં મોટું યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નગરજનો માટે મહાનગરપાલિકા દ્વારા આ આવકારદાયક કદમ ઉઠાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt