અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકા ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગામની ગ્રામપંચાયત દ્વારા પોતાના સ્વભંડોળમાંથી સીસીટીવી કેમેરા લગાડવાની પહેલ કરવામાં આવી છે. ગામના મુખ્ય રસ્તા, ચોરાહા, શાળાના આસપાસ તેમજ જાહેર સ્થળોએ આ કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અણધારી ઘટના બને તો તરત તેનું નિરીક્ષણ શક્ય બને.
ગામના સરપંચ અને પંચાયત સભ્યોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગામમાં નાના મોટાં ચોરી અને તોડફોડની ઘટનાઓ બનતી હતી. તે ધ્યાનમાં રાખીને ગામજનોની સલામતી માટે આ પગલું લેવામાં આવ્યું છે. કુલ દસ જેટલા આધુનિક હાઈ-રિઝોલ્યુશન કેમેરા સ્થાપિત કરાયા છે, જેના રેકોર્ડિંગ સીધા ગ્રામપંચાયત ઓફિસ અને પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે.
ડુંગર પોલીસ સ્ટાફે આ પહેલનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું કે આ ઉપક્રમથી ગુનાખોરી ઉપર અસરકારક નિયંત્રણ આવશે તેમજ ગામજનોમાં સુરક્ષાનો ભાવ વધશે. દેવકા ગામની આ પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણાદાયી બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai