મહેસાણા, 12 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર, મહેસાણા-ઉંઝા હાઈવે પર એક ડમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી બેફામ ઝડપે દોડ્યો હતો અને સામે જતી એક કારને અડફેટે લીધી હતી. ડમ્પરે કારને લગભગ 100 મીટર સુધી ઘસેડી હતી, જેના કારણે કાર સંપૂર્ણ રીતે ચૂરચૂર થઈ ગઈ હતી.
આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસે તાત્કાલિક પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી.
પ્રાથમિક માહિતી મુજબ, ડમ્પર ડ્રાઇવર અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પરનો નંબર ટ્રેસ કરી તેની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં ભારે વાહનોની અતિ ઝડપને કારણે વારંવાર અકસ્માત થવાની ફરિયાદ કરી છે અને હાઈવે પર સ્પીડ બ્રેકર તથા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR