પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): સિદ્ધપુર શહેરમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સરસ્વતી નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન આ નદીમાંથી મળેલો આ છઠ્ઠો મૃતદેહ હોવાથી શહેરમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારે પસુવાદળની પોળ પાસે નદીમાં એક મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
માહિતી મળતા જ સિદ્ધપુર ફાયર વિભાગ, પોલીસ અને હોમગાર્ડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાન મુસ્તુફા જાલોરી, ચિરાગ સોલંકી, કિરણજી ઠાકોર તેમજ હોમગાર્ડના કપૂરજી ઠાકોર અને બાકીર પટેલે મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.
મૃતકની ઓળખ ગૌરાંગ રજનીકાંત ઠાકર તરીકે કરવામાં આવી છે. સિદ્ધપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હાલ અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ