મહેસાણા, 12 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભાટવાડામાં સ્થિત શ્રી સુન્ધા ચામુંડા - જહુ માતાજી મંદિર ખાતે શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદનમાં 46મો સાડી-સ્મૃતિ ભેટ સમારોહ ભવ્ય રીતે યોજાયો. અખંડ રોટલા-લાડુ ઘરના આ અનોખા સેવા પ્રકલ્પ અંતર્ગત દરરોજ આશરે 4000 રોટલા રખડતા શ્વાનો માટે તૈયાર થાય છે. આ સેવા 665 બહેનો વર્ષોથી અઠવાડિયાના વારા મુજબ નિસ્વાર્થ રીતે બજાવી રહી છે.
સેવાભાવી બહેનોના સમર્પણને માન આપવા માટે સાડી અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે રામોસણાના ડાહ્યાભાઈ ભગત, સતલાસણાના વિજયભાઈ પેઇન્ટર સહિત અનેક ઉપાસકો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા. રોટલાઘર પ્રમુખ અનિલકાકા અને ઉપપ્રમુખ મહેન્દ્રભાઈના સંકલનથી કાર્યક્રમ સફળ રહ્યો.
નોંધનીય છે કે આ સેવા વર્ષ 2004માં અરવિંદભાઈ બારોટ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેને 2018માં લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ, 2021માં ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. કાર્યક્રમનો અંત માતાજીના આશીર્વાદ અને સેવા ભાવનાને આગળ વધારવાના સંકલ્પ સાથે થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR