પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચ સ્ટોન નામની એજન્સી દ્વારા આજે સવારે ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને એક્સપાયરી ડેટવાળું ખાટું દૂધ આપવામાં આવ્યું હતું. દૂધ વિતરણ પહેલાં કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના સુપરવાઈઝરે દૂધ વહેંચી દીધું હતું, જેને કારણે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
આ મામલાની જાણ ચકાસણી દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મેસેજ દ્વારા ફેલાઈ હતી, જેના પગલે ધારપુર હોસ્પિટલના અધિકારીઓ તાત્કાલિક દોડ્યા અને તપાસ હાથ ધરી. આરએમઓ રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે 68 થેલીમાંથી 32 થેલી 11મી તારીખની એક્સપાયરી ડેટની હતી. દર્દીઓનું તત્કાલિક ચેકઅપ કરાવાયું અને કોઈને તકલીફ થઇ નથી. તેમણે ઉમેર્યું કે એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દર્દીઓએ દૂધ પીતાં પહેલાં ખાટું લાગતા ડેટ ચેક કરતાં એક્સપાયરી પકી હતી. તેમણે તાત્કાલિક નર્સને જાણ કરી હતી, જે બાદ નર્સિંગ સ્ટાફે તપાસ કરીને દૂધ પાછું લઇ લીધું. તબીબી અધિક્ષક ડૉ. ચિંતન રાવલએ જણાવ્યું કે દૂધ પીધું નહીં હોય અને દર્દીઓ સુરક્ષિત છે.
હોસ્પિટલના રસોડા કર્મચારીઓએ પણ દૂધ મિક્સ થઈ જતાં ભૂલથી ખાટું દૂધ વહેંચાયું હોવાનું સ્વીકાર્યું છે. હોસ્પિટલ તંત્રએ આ ઘટનાને ગંભીર ગણાવી સપ્લાય કરતી ટચ સ્ટોન એજન્સી સામે નિયમ મુજબ સખત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ